26-27 ઓગસ્ટે રાજ્યના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ

25 August, 2019 10:31 AM IST  |  અમદાવાદ

26-27 ઓગસ્ટે રાજ્યના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ લીધો છે. વરસાદ અટકતા ગરમીમાં વધારો થયો છે. સતત તાપમાન વધતા ગરમી વધી રહી છે. લોકો ગરમીને કારણે પરેશાન થઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી રાજ્યના લોકો માટે રાહતના સમાચાર લઈને આવ્યા છે. હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.

2 દિવસ ભારે વરસાદની આગાહી

વરસાદના કેટલાક દિવસના વિરામ બાદ રાજ્યમાં ફરી લો પ્રેશર સર્જાયું છે, જેને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં બે દિવસ સુધી ભારે વરસાદ ખાબકી શકે છે. ખાસ કરીને 26 ઓગસ્ટ અને 27 ઓગસ્ટના રોજ રાજ્યમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ બે દિવસ ભારે વરસાદની શક્યતા છે.

અંતિમ રાઉન્ડની શક્યતા

હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે, ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર અને તેને અડીને આવેલા સૌરાષ્ટ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના કારણે ગુજરાતનાં કેટલાક જિલ્લાઓમાં વરસાદનાં વધુ એક રાઉન્ડની સંભાવના છે. આ વરસાદનો છેલ્લો રાઉન્ડ હોઈ શકે છે.

આ પણ વાંચોઃ રાજકોટના લોક મેળાનો આવો છે નજારો, CM રૂપાણીએ કર્યું ઉદઘાટન

આ દિવસે અહીં પડશે વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 25 ઓગસ્ટે વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીને વરસાદ ભીંજવી શકે છે. તો બીજા દિવસે એટલે કે 26 ઑગસ્ટે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, વડોદરા, પંચમહાલ, દાહોદ, નર્મદા, ભરૂચમાં વરસાદની આગાહી છે. જ્યારે 27 ઑગસ્ટે અરવલ્લી, દાહોદ, મહિસાગર, પાટણ, બનાસકાંઠા, વડોદરા, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત જિલ્લામાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત 28 ઑગસ્ટે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, મોરબી, ભાવનગર, ગીર સોમનાથમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે.

 

Gujarat Rains gujarat news