રાજ્યમાં ફરી ખાબકશે વરસાદ, આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી

18 September, 2019 05:01 PM IST  |  અમદાવાદ

રાજ્યમાં ફરી ખાબકશે વરસાદ, આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી

રાજ્યમાં આ વખતે સારો વરસાદ થયો છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે રાજ્યમાં 100 ટકા કરતા વધુ વરસાદ નોંધાયો છે. જો કે મેઘરાજા જાણે આ વર્ષે ગુજરાત પર ખમૈયા કરવા જ તૈયાર ન હોય તેમ લાગી રહ્યું છે. એક તરફ લોકો મેઘો વિરામ લે તેવું ઈચ્છી રહ્યા છે, બીજી તરફ વરસાદ સતત પડી રહ્યો છે. એક અઠવાડિયાના વિરામ બાદ રાજ્યના કેટલાક વિસ્તારોને ભીંજવવા વરસાદ ફરી તૈયાર છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હજી વરસાદની વિદાય થઈ હોય તેવું લાગતું નથી. આગામી 19થી 26 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગાહી પ્રમાણે અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

હવામાન વિભાગની માહિતી પ્રમાણે આગામી બે દિવસ સુધી બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થશે. જેની અસર ગુજરાતમાં પણ વર્તાશે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ખાબકી શકે છે. 19-20 સપ્ટેમ્બર સુધી આ સિસ્ટમ મુંબઈ અને દક્ષિણ ગુજરાતની નજીક પહોંચશે. જે બાદ 26 સપ્ટેમ્બર સુદી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડવાની આગાહી છે. આમામી 10 દિવસ સુધી ફરી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.

અહીં પડશે વરસાદ

19 સપ્ટેમ્બર એટલે કે ગુરુવારે રાજ્યના નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદની શક્યતા છે.
20 સપ્ટેમ્બરે એટલે કે શુક્રવારે ડાંગ, વલસાડ, નવસારી, દમણમાં વરસાદની આગાહી છે.
તો શનિવારે વલસાડ, દમણ, સુરત, ડાંગ, તાપી, ભાવનગર, અમરેલી મેઘરાજા માઝા મૂકી શકે છે.
રવિવારે ફરી વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચોઃ મુંબઈ: ચોમાસું જતાં-જતાં પણ થપાટ મારશે, 19મીથી ફરી ભારે વરસાદની આગાહી

આ ઉપરાંત ઉત્તર ગુજરાતનાં કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ ઝાપટાં પડવાની પણ શક્યતાઓ રહેલી છે. ઉલ્લેખનીય છે કે, આજે પણ રાજ્યમાં અમદાવાદ-વડોદરા સહિત કેટલાક જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો હતો.

Gujarat Rains gujarat news ahmedabad