રેડિયો સિટી Exclusive: આ સુરતીલાલા પણ સુપર-૩૦થી કંઈ કમ નથી

09 August, 2019 11:15 AM IST  |  સુરત

રેડિયો સિટી Exclusive: આ સુરતીલાલા પણ સુપર-૩૦થી કંઈ કમ નથી

આ સુરતીલાલા પણ સુપર-૩૦થી કંઈ કમ નથી

દેશનું ભવિષ્ય મનાતી કાલની પેઢી ભણશે તો દેશ વધુ સક્ષમ બનશે. આનંદ કુમારે સુપર-૩૦ ફિલ્મમાં હૃતિક રોશનને ઘણો હમ્બલ દેખાડ્યો છે. પોતાના બૅકગ્રાઉન્ડને જોતાં તેણે પોતાને મળેલી લાખો રૂપિયાની નોકરી છોડીને પોતાનું જીવન ગરીબ અને અન્ડર પ્રીવિલેજ છોકરાઓ માટે ન્યોચ્છાવર કરી દીધું. રીલ લાઇફમાં આવી અનેક પ્રકારની કથાઓ આપણે જોતા હોઈએ છીએ અને ફિલ્મ જોયા બાદ એનાં ભરપેટ વખાણ કરતાં હોઈએ છીએ. આજે સુરતના આવા જ એક નરબંકાની તમને ઓળખાણ કરાવવી છે જેનાથી કદાચ દેશના ઘણા નવયુવાન પ્રેરણા લઈ શકશે અને તમે ખરા અર્થમાં કહેશો કે વાહ ક્યા બાત હૈ. સુરતના ટૉપ રૅન્કર સીએ રવિ છાવછારિયાએ પોતાનું સમગ્ર જીવન યુવાનોને ભણાવવા પાછળ વિતાવવાનું નક્કી કર્યું છે અને એક પણ ફદિયું લીધા વિના. રેડિયો સિટી સાથે ખાસ મુલાકાતમાં પોતે કરેલા સંઘર્ષ અને ભણતર કેવું હોવું જોઈએ એ વિશે ખુલ્લામને વાત કરી એના અંશ...
હું જ્યારે ભણી રહ્યો હતો ત્યારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો મને. ભણવાનું એવું એન્વાયર્નમેન્ટ નહોતું. શું વાંચવું, કેટલું વાંચવું એની ખબર નહોતી પડતી, પણ રિસર્ચ કરતા ગયા અને ભણતા ગયા. હું જ્યારે ભણી રહ્યો હતો ત્યારે મારી ઉંમર ૨૦ વર્ષની હતી અને મારા જુનિયર્સને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આમાંના અનેક સ્ટુડન્ટ્સ મારી પાસે ભણવા માટે આવતા હતા. ભણતાં-ભણતાં જ મેં ૧૫૦ સ્ટુડન્ટ્સને ભણાવ્યા છે.
સૌપ્રથમ તો હું મારા રૂમની નાનકડી ઓરડીમાં સ્ટુડન્ટ્સને ભણાવતો હતો. સ્ટુડન્ટ્સ વધવાને કારણે મેં બાદમાં તેમને ઓપન ગાર્ડનમાં ભણાવવાનું શરૂ કર્યું. છેલ્લે સ્ટુડન્ટ્સને ભણાવવા માટે એક ક્લાસ શરૂ કર્યો. મારા ક્લાસમાં ફાઇનૅન્શિયલી નબળા વિદ્યાર્થીઓ જ આવતા હતા. અમે તેમનું બૅકગ્રાઉન્ડ તપાસ્યા બાદ તેમને ફ્રીમાં ભણાવવાનું શરૂ કર્યું હતું. ધીરે-ધીરે સ્ટુડન્ટ્સની સંખ્યા વધતી ગઈ. સ્ટુડન્ટ્સને ભણાવવા માટે મેં સીએ ટાસ્કનો કાર્યક્રમ શરૂ કર્યો. હમણાંનો જ તમને દાખલો આપું તો લાસ્ટ યરની સીએની એક્ઝામમાં સુરતના સ્ટુડન્ટે બાજી મારી. મમ્મી વર્કર છે અને પપ્પા ફૅક્ટરીમાં કામ કરે છે એવા શુભમ સરફિરે સુરતમાં ટૉપ રૅન્ક અને દેશમાં ૧૦મી રૅન્ક પ્રાપ્ત કરી ત્યારે મને સૌથી વધુ આનંદ થયો હતો.
મારી પાસેથી હજારથી પણ વધુ સ્ટુડન્ટ્સ ભણી ગયા છે. નબળા વર્ગના વિદ્યાર્થીઓને મેં મારા લેવલ પર ભણાવવાનું શરૂ કર્યું, પણ હું ઇચ્છું છું કે અન્ય યુવાન પણ જરૂરિયાતમંદોને ભણાવીને દેશને વધુ સક્ષમ બનાવવાનું કામ કરે. મારી પાસે જે વિદ્યાર્થીઓ ભણ્યા તેમાંથી ૨૦૦થી વધુ ટૉપ ફિફ્ટીમાં, ૪૦ સ્ટુડન્ટ્સ ટૉપ ૧૦ની રૅન્કમાં આવ્યા એનો મને ગર્વ છે.
રવિ છાવછારિયાનો આખો પરિવાર શિક્ષિત છે. આજે સુરતમાં ફ્રી કોચિંગ કરતા રવિ પાસે દર વર્ષે અનેક સ્ટુડન્ટ્સ ભણવા આવે છે. છેલ્લાં ૩ વર્ષથી દર વર્ષે ૯૦ ટકા સ્ટુડન્ટ્સ પાસ થઈને પોતાનું ભવિષ્ય આગળ ધપાવે છે. રવિનો મંત્ર રહ્યો છે કે જો તમારે ભારત દેશને વધુ સક્ષમ બનાવવો હોય તો સ્પ્રેડ એજ્યુકેશન, સ્પ્રેડ લર્નિંગ અને પૉઝિટિવિટી.

આ પણ જુઓઃ તુલસીથી લઈને દયાબેન સુધી, એ ગુજરાતી કિરદારો જેણે લોકોના દિલ પર છોડી છે છાપ

આજના સમયમાં વિદ્યાને વેચવાનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે, પણ સુરતના સીએ રવિએ જાણે ખરા અર્થમાં વિદ્યાની કિંમત શી છે એ સમજાવ્યું છે. આવતી કાલની પેઢી ભણીને દેશ માટે કશુંક કરે એવી ભાવના રાખનાર રવિ દેશનું ગૌરવ છે.

surat gujarat radio city