ગુજરાતની સરકારી સ્કૂલોમાં શિક્ષણનું સ્તર સુધર્યું છે: રૂપાણી

02 August, 2021 03:22 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

નવ દિવસની ઉજવણીના ભાગરૂપે ‘જ્ઞાનશક્તિ દિવસ’ના ટૅગ સાથે યોજાયેલા સમારંભમાં રૂપાણીએ કહ્યું

વિજય રૂપાણી

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પોતાના કાર્યકાળનાં પાંચ વર્ષ પૂર્ણ થયાં એ પ્રસંગે ગઈ કાલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં સરકારી સ્કૂલોમાં શિક્ષણનું સ્તર સુધરી રહ્યું છે.

રૂપાણીએ એવું પણ કહ્યું હતું કે તેમણે મુખ્ય પ્રધાનનું પદ ગ્રહણ કર્યું ત્યારથી એટલે કે છેલ્લાં પાંચ વર્ષમાં લગભગ ત્રણ લાખ જેટલાં બાળકોએ ખાનગી સ્કૂલોમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો હતો.

નવ દિવસની ઉજવણીના ભાગરૂપે ‘જ્ઞાનશક્તિ દિવસ’ના ટૅગ સાથે યોજાયેલા સમારંભમાં રૂપાણીએ કહ્યું હતું કે તેઓ ગુજરાતને શ્રેષ્ઠ રાજ્ય બનાવવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કામને આગળ ધપાવી રહ્યા છે. આવનારા સમયમાં ‘નૉલેજ ઇકૉનૉમી’ ખૂબ મહત્ત્વનું રહેશે એમ જણાવતાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેમની સરકાર શિક્ષણના આધુનિકીકરણ અને તેની ગુણવત્તા સુધારવા માટે કામ કરી રહી છે.

રૂપાણીએ વિપક્ષોના સંદર્ભમાં કહ્યું હતું કે વિરોધ પક્ષો અને માત્ર ખ્યાતિ પામવા દુનિયામાં વિહરતા લોકો માત્ર વાતો જ કરતા હોય છે. જોકે વાસ્તવિકતા એ છે કે છેલ્લાં પાંચ વર્ષમાં ત્રણ લાખ જેટલાં બાળકોએ પ્રાઇવેટ સ્કૂલોમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો એ જ બતાવે છે કે રાજ્યની ગવર્નમેન્ટ સ્કૂલોમાં શિક્ષણનું સ્તર સુધર્યું છે. અમે કોઈ પબ્લિસિટી નથી કરતા, માત્ર નક્કર કામ કરી બતાવીએ છીએ.

આમ આદમી પાર્ટી (આપ)એ તાજેતરમાં રાજ્યની સરકારી સ્કૂલોની હાલત વિશે ટિપ્પણ કરી એના જવાબમાં રૂપાણી બોલી રહ્યા હતા.

gujarat gujarat news Vijay Rupani