ગુજરાતમાંથી આ ચહેરાઓને મળી શકે છે કેન્દ્રમાં મંત્રી પદ

24 May, 2019 05:26 PM IST  |  અમદાવાદ

ગુજરાતમાંથી આ ચહેરાઓને મળી શકે છે કેન્દ્રમાં મંત્રી પદ

ચૂંટણીના પરિણામ તો આવી ગયા, હવે બધાની નજર નવી સરકારની શપથ વિધિ અને નવી સરકારમાં કોણ મંત્રી બનશે તેના પર છે. હવે અમિત શાહ પણ લોકસભાના સાંસદ બની ચૂક્યા છે ત્યારે ગાંધીનગરની સીએમ અને ગૃહ પ્રધાનની જોડી દિલ્હીમાં ફરી જોવા મળે તેવી શક્યતા છે. સાથે જ ગુજરાતમાંથી અન્ય ચાર નેતાઓને કેન્દ્ર સરકારમાં મંત્રી પદ મળે તેવી શક્યતા છે. ગુજરાતમાંથી સી. આર. પાટિલ, પુરુષોત્તમ રુપાલા, જશવંતસિંહ ભાભોર અને પૂનમ માડમને કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે.

દક્ષિણ ગુજરાતના પ્રતિનિધિત્વ તરીકે સી. આર. પાટિલને મંત્રી બનાવાયા તેવી શક્યતા છે. જેને કારણે સુરતના દર્શના જરદોષ, વડોદરાના સાંસદ રંજનબહેન ભટ્ટને સ્થાન મળે તેવી શક્યતા નહિવત્ છે. તો આદિવાસી પટ્ટામાંથી જશવંતસિંહ ભાભોરને સ્થાન મળે તો ગીતાબહેન રાઠવાને મંત્રી પદ આપવું શક્ય નથી. સામે સૌરાષ્ટ્રમાંથી મનસુખ માંડવિયાને પડતા મૂકાય તેવી શક્યતા છે, તેમની જગ્યાએ સૌરાષ્ટ્રના ચહેરા તરીકે પૂનમ માડમને મંત્રી પદ મળી શકે છે. આ સિવાય પૂનમ માડમનું નામ મહિલા પ્રતિનિધિત્વ તરીકે ઉમેરાઈ શકે છે.

આ પણ વાંચોઃ નવી સરકાર પાસેથી ગુજરાતીઓને છે આટલી અપેક્ષાઓ 

અમિત શાહ પણ ગાંધીનગરથી સાંસદ બન્યા છે, ત્યારે મંત્રી મંડળમાં તેમના સ્વરૂપે એક ગુજરાતી ચહેરો વધી શકે છે.પરિણામે મનસુખ માંડવિયા અથવા પુરુષોત્તમ રુપાલામાંથી કોઈ એક નેતાનું પદન છીનવાઈ પણ શકે છે. 2014માં ચૂંટાયેલી મોદી સરકારમાં સાંસદો મનસુખ માંડવિયા, પરસોત્તમ રુપાલા અને હરિભાઈ ચૌધરી તથા જશવંત ભાભોર રાજ્યકક્ષાના મંત્રી પદે હતા. ત્યારે હવે સવાલ એ પણ છે કે ગુજરાતના આ સાંસદોને જો મંત્રી પદ મળશે તો કયા ખાતા મળશે.

Election 2019 gujarat news Gujarat BJP