ગુજરાતી ટૂર-ઑપરેટરની પહેલ, હવે કાશ્મીરની ટૂરો બંધ

16 February, 2019 08:43 AM IST  |  મુંબઈ | રોહિત પરીખ

ગુજરાતી ટૂર-ઑપરેટરની પહેલ, હવે કાશ્મીરની ટૂરો બંધ

કાશ્મીરની ટૂર કરી કેન્સલ

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જવાનો પરના સૌથી મોટા આત્મઘાતી હુમલાએ દેશના લોકોને હચમચાવી દીધા છે. આવા સંજોગોમાં 1983થી જમ્મુ-કાશ્મીર અને લેહ-લદ્દાખના ટૂર-ઑપરેટર જેમ્સ ટૂર્સના જ્યોતિન દોશીએ જમ્મુ-કાશ્મીરના સ્થાનિક લોકોને સબક શીખવવા માટે અને તેમનામાં ભારત માટેનો દેશપ્રેમ જગાડવાના ઉદ્દેશથી જમ્મુ-કાશ્મીરની ટૂરના વર્ષના 12 કરોડ રૂપિયાના બિઝનેસને બંધ કરવાનો નર્ણિય લઈને જમ્મુ-કાશ્મીર ટૂરિઝમને એક મોટો ઝટકો આપ્યો છે.

તેમના આ બહિષ્કારના નિર્ણયનો મેસેજ વાઇરલ થતાં જ દેશના 40,000થી વધુ ટૂર-ઑપરેટરોએ પણ જમ્મુ-કાશ્મીર ટૂરોને બંધ કરવાનો આકરો નર્ણિય લીધો છે એવો જેમ્સ ટૂરે દાવો કર્યો હતો.

આ બાબતની માહિતી આપતાં જ્યોતિન દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જમ્મુ-કાશ્મીરમાં 1988થી આંતરિક વિખવાદો અને ટેરરિસ્ટોના હુમલાઓ ચાલી રહ્યા છે. અમને ખબર છે કે આમાં સ્થાનિક કાશ્મીરીઓ સંકળાયેલા છે. આમ છતાં આજે નહીં ને કાલે સુધરશે. એક દિવસ તેમને પણ અક્કલ આવશે અને તેઓ તેમના બિઝનેસ અને તેમના કાશ્મીરને બચાવવા માટે ટેરરિસ્ટોને તેમના રાજ્યમાંથી દૂર કરશે એમ સમજીને અમે અત્યાર સુધી બિઝનેસ કરતા હતા. જોકે ગુરુવારના હુમલાથી અમે થયું કે નાઓ ઇનફ, હવે ટૂરિઝમમાંથી કાશ્મીરનો બહિષ્કાર કરવો જરૂરી છે. અવારનવાર લશ્કરના જવાનો પર પથ્થરમારો કરતા કાશ્મીરીઓના સપોર્ટથી જ ગુરુવારે આતંકવાદીઓ તેમના સૌથી મોટા આત્મઘાતી હુમલામાં સફળ થયા છે. આવા કાશ્મીરીઓ ભૂખે મરે એ ચિંતા એક બિઝનેસમૅન તરીકે હંમેશાં કરતો રહ્યો. એક દેશપ્રેમી તરીકે લાગ્યું કે હવે પહેલાં મારો દેશ, પછી મારો બિઝનેસ. કાશ્મીરીઓને સબક શીખવવા અને તેમનામાં જ્યાં સુધી ભારત દેશ માટેનો દેશપ્રેમ જાગે નહીં ત્યાં સુધી હવે જમ્મુ-કાશ્મીરની ટૂરો બંધ કરવાનો અમે કડક નર્ણિય લીધો છે. મારી સાથે દેશભરના બીજા 40,000 ટૂર-ઑપરેટરો પણ જોડાયા છે.’

કાશ્મીરીઓ જે દિવસે રોડ પર ઊતરીને ભારત માતા કી જય બોલશે અને ભારત માટેનો તેમનો દેશપ્રેમ જાહેર કરશે એ દિવસે અમે ફરીથી ટૂરોની શરૂઆત કરીશું. આ સંદર્ભમાં જ્યોતિન દોશીએ કહ્યું હતું કે ‘કાશ્મીરીઓ તેમના રાજ્યને ભારત દેશનો ભાગ છે એવો સ્વીકાર કરવો જ પડશે. કાશ્મીરીઓ આઝાદી પછી ક્યારેય તેમને ભારતીય કહેતા જ નથી, પરંતુ દેશ-વિદેશના ટૂરિસ્ટોની અવરજવર બંધ થતાં જ તેમને તેમની આૈકાત ખબર પડશે. તેમને તેમના નાપાક ઇરાદાઓમાં પીછેહઠ કરવી જ પડશે. કાશ્મીરીઓ ટૂરિસ્ટો પર જ નભે છે. જ્યાં સુધી તેઓ તેમની ગલીઓમાં ઊતરીને ભારત માતાની જય નહીં બોલે, જ્યાં સુધી તેઓ આપણા દેશના જવાનોનો આદર નહીં કરે અને આવકાર નહીં આપે ત્યાં સુધી ટૂર-ઑપરેટરો હવે જમ્મુ-કાશ્મીરની ટૂરનો બહિષ્કાર ચાલુ રાખશે.’

આ પણ વાંચોઃ કરિશ્મા કપૂરે રાજકોટમાં મહેમાનો પાસે રખાવ્યું મૌન

સંપર્ક કરો

જેમ્સ ટૂરના કાશ્મીરની ટૂરના બહિષ્કારની ઝુંબેશમાં જોડાવવા અને જવાનોના પરિવારોને મદદ કરવા ઇચ્છુકો info@gemtravels.com પર સંપર્ક કરી શકે છે. 

gujarat news