જામનગરના રાજવી પરિવારના હર્ષદકુંવરીબાનું લાંબી બિમારી બાદ અવસાન, શિક્ષણ ક્ષેત્રે હતાં સક્રિય

28 January, 2022 03:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જામનગરના રાજવી પરિવારના જામસાહેબ શત્રુશલ્યસિંહજીના મોટાબહેન હર્ષદકુંવરીબાનું લાંબી બિમારી બાદ નિધન થયું છે.

રાજવી પરિવારના હર્ષદકુંવરીબા (ફાઈલ ફોટો)

જામનગરના રાજવી પરિવારના જામસાહેબ શત્રુશલ્યસિંહજીના મોટાબહેન હર્ષદકુંવરીબાનું લાંબી બિમારી બાદ નિધન થયું છે. જામનગરના રાજવી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. હર્ષદકુંવરીબાની તબિયત લથડ્યા બાદ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. 

રાજવી પરિવારના હર્ષદકુંવરીબા ઘણા લાંબા સમયથી બિમાર હતા. મલ્ટીઓર્ગન ફેઈલ્યોરને કારણે તેમને સારવાર માટે એર લિફ્ટ કરી અમદાવાદની એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હર્ષદકુંવરીબા શિક્ષણ અને સાંસ્કૃતિક તથા શૈક્ષણિક ક્ષેત્રે ખુબજ સક્રિયા હતા. ઐતિહાસિક વારસાનું જતન કરતી સંસ્થા ઇન્ટેક સાથે તેઓ વર્ષોથી સંકળાયેલા હતા.

છેલ્લા ઘણા લાંબા સમયથી તેઓ બિમાર હતા. પ્રથમ તેમને જામનગરની ગોકુલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદની એપોલો હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જયાં લાંબી સારવાર બાદ તેમનું નિધન થયું હતું.હર્ષદકુંવરીબાની અંતિમવિધિ અમદાવાદના થલતેજ સ્મશાનગૃહમાં કરવામાં આવશે.

જામ સાહેબે શોક સંદેશ પાઠવ્યો

હર્ષદકુંવરીબા નિધન થતા  જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ શોક સંદેશ પાઠવ્યો છે. આ શોક સંદેશમાં લખ્યું છે કે વિશ્વભરમાંથી રાજવી પરિવારને પ્રેમ મળ્યો છે ખાસ કરીને હાલાર પંથકના લોકોએ રાજવી પરિવાર સાથે અતૂટ સ્નેહનો બંધાયેલો છે.

શિક્ષણ અને સાંસ્કૃતિક તથા શૈક્ષણિક ક્ષેત્રે તેમના યોગદાન બદલ તેમને હંમેશા યાદ કરવામાં આવશે. રાજકુંવરી બાએ જામનગરના શિક્ષણ ક્ષેત્રે
મહત્વનું યોગદાન આપ્યું છે. શિક્ષણ અને ધરોહરની જાળવણી માટે તેમનો અમુલ્ય ફાળો રહ્યો છે. ત્યારે તેમના અવસાનથી સમગ્ર હાલાર પંથકમાં શોકનો માહોલ સર્જાયો છે. 

 

 

jamnagar gujarat news gujarat