વડાપ્રધાન મોદીએ હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરીનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું

08 November, 2020 12:46 PM IST  |  Surat | Gujarati Mid-day Online Correspondent

વડાપ્રધાન મોદીએ હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરીનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું

તસવીર સૌજન્ય: એએનઆઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ડ્રીમ પ્રોજેક્ટ અને દિવાળી ભેટ રૂપી હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ સમયે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હાજર રહ્યાં હતા. સાથે જ કેન્દ્રી શિપુંગ પ્રધાન મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરીનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન ગુજરાત માટે દિવાળી ભેટ હોવાનું વડાપ્રધાને જણાવ્યું હતું.

હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરીના વર્ચ્યુઅલ ઉદ્ઘાટન સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, એક પ્રોજેક્ટથી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વધે છે અને સાથે સાથે ઈઝ ઓફ વિલિંગ પણ વઘે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. જે ચાર પાંચ ભાઈ બહેનો સાથે વાત કરી તે જે રીતે અનુભવ શેર કરતા હતા, જે ફાયદાની વાત કરી એ પ્રકારે વેપારમાં જે સુવિધા વધશે, ઝડપ વધશે, આ ખુશીનો માહોલ છે. આ કનેક્ટિવિટીનો લાભ મળશે. દિવાળીના તહેવારની આ મોટી ભેટ છે. રો-પેક્સથી સોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનું વર્ષો જૂનુ સપનું પૂર્ણ થયું છે. આ સર્વિસ તમારો સમય તો બચાવશે સાથે તમારો ખર્ચ પણ ઓછો કરશે. ગુજરાતમાં રો-પેક્સ ફેરી સેવા જેવી સુવિધાનો વિકાસ કરવામાં ઘણાં લોકોની મહેનત લાગી છે. તેમને રસ્તામાં ઘણી મુશ્કેલીઓ આવી છે. હું તમામ લોકોનો આભાર માનું છું, એ તમામ એન્જીનિયરોનો, શ્રમિકોનો આભાર વ્યક્ત કરૂં છું, જેમણે હિંમતની સાથે કામ કર્યું. આ ઉપરાંત તેમણે કહ્યું કે, ગુજરાતના ખેડૂતોની વિશેષતા છે કે, ગુજરાતના ખેડૂત પરિવર્તનશીલ છે. પ્રગતિ માટેની નવી ચીજો આસાનીથી સ્વીકારે છે.

હજીરામાં નવા ટર્મિનલનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે. આ સેવાથી ઘોઘા અને હજીરા વચ્ચે માર્ગનું અંતર 370 કિમી છે જે સમુદ્રમાં 90 કિમી હશે. આ અંતર કાપવા માટે 10થી 12 કલાકનો સમય થતો હતો. જે હવે માત્ર ચાર કલાક થશે. આ સેવાથી માર્ગ પર ટ્રાફિક અને પ્રદુષણ ઓછું થશે. એક વર્ષમાં 80 હજાર વાહનો, 30 હજાર ટ્રક નવી સેવાનો લાભ લઈ શકશે. પેટ્રોલ ડિઝલની બચત થશે. ગુજરાતના મોટા કારોબારી શહેર સાથે સંપર્કથી સૌરાષ્ટ્રના ખેડૂતોને ફળ, શાકભાજી અન દૂધ પહોંચાડવામાં ઝડપ આવશે. સુરક્ષિત રીતે પહોંચાડી શકાશે.

સુરતના હજીરા ખાતે અદાણી દ્વારા બનાવવામાં આવેલા ટર્મિનલ ખાતે મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદઘાટનનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે 10થી 12 કલાકની માર્ગ મુસાફરી કરવી પડે છે. રો-પેક્સ સેવાને કારણે આ મુસાફરી માત્ર 4 કલાકની થઇ જશે. વળી, લોકો પોતાની સાથે મોટરસાઈકલ કે કાર પણ ગામડે લઇ જઈ શકશે, જે પહેલાં સંભવ નહોતું અથવા તો ખર્ચાળ અને સમય માગી લેનારું હતું. આમ, આ સેવા સૌરાષ્ટ્રના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આઠમી નવેમ્બરથી રો રો પેક્સનો પ્રારંભ થયા બાદ રાજ્ય સરકારના આદેશથી સુરત મહાનગરપાલિકા બીઆરટીએસ અને સિટી બસ શરૂ કરવામાં આવશે. જે બસ અડાજણથી હજીરા પોર્ટ સુધીની હશે. અદાણીએ રો-પેક્સ માટે 30 કરોડના ખર્ચે 200 પેસેન્જર બેસી શકે તેવું ટર્મિનલ બનાવ્યું છે. જેમાં ટિકિટ બુકિંગની, સિક્યુરિટી, કેન્ટીન સહિતની સુવિધા મૂકાય છે.

gujarat narendra modi saurashtra surat Vijay Rupani