મનહર ઉધાસે બીજેપી સાથે સૂર મિલાવ્યો

03 August, 2022 09:09 AM IST  |  Mumbai | Shailesh Nayak

લોકપ્રિય ગુજરાતી ગાયક બીજેપીમાં જોડાયા અને આલબમ લૉન્ચ કર્યું ઃ સી. આર. પાટીલે બીજેપીનો ખેસ અને ટોપી પહેરાવીને આવકાર્યા ઃ અન્ય કેટલાક કલાકારો પણ આ પાર્ટીમાં જોડાયા

બીજેપીમાં જોડાઈને મનહર ઉધાસે તેમનું આલબમ ‘આસમાન’ લૉન્ચ કર્યું હતું એ સમયે ગુજરાત બીજેપીના અધ્યક્ષ સી. આર. પાટીલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એવા સમયે ગરવા ગુજરાતી ગાયક મનહર ઉધાસ ગઈ કાલે રાજકારણમાં એન્ટ્રી લઈને ભારતીય જનતા પાર્ટી (બીજેપી)માં જોડાયા છે. આ પ્રસંગે તેમણે તેમનું નવું આલબમ ‘આસમાન’ લૉન્ચ કર્યું હતું.
અમદાવાદ–ગાંધીનગર હાઇવે પર કોબા નજીક આવેલા બીજેપી ગુજરાતના કાર્યાલય કમલમમાં ગઈ કાલે ગુજરાત બીજેપીના અધ્યક્ષ સી. આર. પાટીલે મનહર ઉધાસને પક્ષનો ખેસ અને ટોપી પહેરાવીને આવકાર્યા હતા. મનહર ઉધાસ સાથે મૌલિક મહેતા, સુનીલ વીસરાની, સોનક વ્યાસ, આશિષ ક્રુપાલા, મોસમ મહેતા, મલ્ખા મહેતા, પાયલ શાહ, કાર્તિક દવે સહિતના કલાકારોને સી. આર. પાટીલે આવકારીને ખેસ તેમ જ ટોપી પહેરાવીને પક્ષમાં સામેલ કર્યા હતા.
મનહર ઉધાસે આ પ્રસંગે કહ્યું હતું કે ‘મારું સદ્ભાગ્ય છે કે બીજેપીમાં જોડાવાની તક મળી. માન-સન્માન સાથે પાર્ટીમાં જોડાયો છું. વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં અમને પાર્ટીમાં જોડાવાની તક મળી છે. એક કલાકાર તરીકે સારાં કાર્યો દેશની જનતાની સેવામાં કરી શકું એ માટે હું પ્રયાસ કરીશ.’

gujarat news bharatiya janata party gujarat