ગુજરાતના પ્રધાનોનું પૉલિટિકલ ક્વૉરન્ટીન

19 September, 2021 08:57 AM IST  |  Rajkot | Rashmin Shah

ગુજરાતની મિનિસ્ટ્રીમાં સમાવવામાં આવેલા ૨૪ વિધાનસભ્યોને ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્ર પટેલે ઑર્ડર આપી દેતાં મોટા ભાગના મિનિસ્ટરોના હોમટાઉનમાં રાખવામાં આવેલા સન્માન સમારંભ કૅન્સલ કરવા પડ્યા

હજી આ જ અઠવાડિયે સત્તારૂઢ થયેલી સરકારના ગુજરાતના પ્રધાનોને પોતાના મતવિસ્તારથી હાલ થોડા દિવસ માટે આઘા રહેવાનો આદેશ આપનાર મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ગઈ કાલે અક્ષરધામ મંદિરમાંં દર્શને ગયા હતા. પી.ટી.આઇ.

ગુજરાતમાં ગુરુવારે બનેલા નવા પ્રધાનમંડળના ૨૪ મિનિસ્ટર્સમાંથી ૨૨ મિનિસ્ટર્સ એવા છે જેઓ જિંદગીમાં પહેલી વાર પ્રધાન બન્યા છે. સ્વાભાવિકપણે એ જ કારણસર એ સૌને પોતાના હોમટાઉનમાં જબરદસ્ત સત્કાર સમારંભ થાય એવી અપેક્ષા હતી અને એનું પ્લાનિંગ થયું હતું, પણ ગુજરાતના ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્ર પટેલે એ બધાનાં અરમાન પર પાણી ફેરવી દેતું ફરમાન જાહેર કરી દીધું અને આદેશ આપી દીધો કે એક પણ પ્રધાને સત્તાવાર કાર્યક્રમ સિવાય ગાંધીનગર છોડવાનું નથી. આ ઑર્ડર સાથે તમામ મિનિસ્ટર્સ અત્યારે ગાંધીનગરમાં ક્વૉરન્ટીન જેવી અવસ્થામાં મુકાઈ ગયા છે.
તમામ મિનિસ્ટર્સ શનિવારે એટલે કે ગઈ કાલે જ ગાંધીનગરથી પોતપોતાના હોમટાઉન જવાનું પ્લાનિંગ કરી ચૂક્યા હતા, પણ શુક્રવારે નરેન્દ્ર મોદીના જન્મદિવસે ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર નહીં છોડવાનો આદેશ આપી દીધો હતો. આ આદેશ પાછળનાં બે કારણો છે. એક, આખેઆખું પ્રધાનમંડળ નવુંનક્કોર છે એટલે બધાએ બહુ ઝડપથી મહારત હાંસલ કરવી પડશે તો બીજું કારણ છે, વિધાનસભા ઇલેક્શન માટે હવે એકથી સવા વર્ષ જેટલો જ સમય છે એટલે કામનો નિકાલ પણ સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને ઝડપથી કરવાનો છે. 
રાજકોટના વિધાનસભ્ય અરવિંદ રૈયાણી, સુરતના વિધાનસભ્ય હર્ષ સંઘવી, જામનગર ગ્રામ્યના રાઘવજી પટેલ અને ભાવનગરના વિધાનસભ્ય જિતુ વાઘાણીના સન્માનના કાર્યક્રમો તેમના મતવિસ્તારમાં ગોઠવાઈ ગયા હતા અને લાખો રૂપિયાના ફટાકડા પણ લઈ લેવામાં આવ્યા હતા, પણ ભૂપેન્દ્ર પટેલના આદેશ પછી એ બધું કૅન્સલ કરી નાખવાની નોબત આવી અને પ્રધાનો ખરા અર્થમાં પ્રજાના સેવક બનીને કામ પર લાગી ગયા છે.

22
ગુજરાતની નવી સરકારના ૨૪માંથી આટલા તો પહેલી વાર પ્રધાન બન્યા છે

gujarat news gujarat Rashmin Shah rajkot