11 September, 2021 08:52 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફાઈલ તસવીર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અમદાવાદમાં ‘સરદારધામ ભવન’નું ઉદ્ઘાટન કરશે. ગ્રામીણ વિસ્તારમાંથી નોકરી કરવા આવતા યુવાન અને યુવતીઓને અહીં હોસ્ટેલની સુવિધા પૂરી પાડવામાં આવશે. પાટીદાર સમાજ દ્વારા વિકસિત કૉમ્પલેક્સ આવા તમામ વિદ્યાર્થીઓને વ્યાજબી દરે તાલીમ અને રહેવાની સગવડ આપશે.
પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)એ શુક્રવારે એક નિવેદન બહાર પાડ્યું હતું. તેમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આજે સવારે ૧૧ વાગ્યે ‘સરદારધામ ભવન’ના બીજા તબક્કાનું અને કન્યા છાત્રાલયનું ભૂમિ પૂજન કરશે. કાર્યક્રમ દરમિયાન ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ ઉપસ્થિત રહેશે. ‘સરદારધામ ભવન’ શૈક્ષણિક અને સામાજિક પરિવર્તન, સમાજના નબળા વર્ગના ઉત્થાન અને યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા તરફ કામ કરી રહ્યું છે.
આ છે ‘સરદારધામ ભવન’ની વિશેષતાઓ
વૈષ્ણોદેવી સર્કલ નજીક અમદાવાદ-ગાંધીનગર સરહદી વિસ્તારમાં સ્થિત ૧૧,૬૭૨ ચોરસ ફૂટના વિસ્તારમાં બનેલા સરદારધામ ભવનનો પ્રથમ તબક્કો ૨૦૦ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. આ મકાન વિશ્વ પાટીદાર સમાજ (VPS) દ્વારા દેશના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને બનાવવામાં આવ્યું હતું. તેમાં ૧૬૦૦ વિદ્યાર્થીઓ અને ઉમેદવારો માટે રહેણાંક સુવિધાઓ, ૧૦૦૦ કૉમ્પ્યુટર સિસ્ટમ સાથેની ઇ-લાઇબ્રેરી, વ્યાયામશાળા અને આરોગ્ય સંભાળ યૂનિટ, ૪૫૦ વ્યક્તિઓની ક્ષમતાવાળું ઓડિટોરિયમ, ૧૦૦૦-૧૦૦૦ વ્યક્તિની ક્ષમતા વાળા બે હોલ, પુસ્તકાલય, હાઇટેક સુવિધાઓ સાથે વર્ગખંડો, ઇન્ડોર ગેમ્સ અને અન્ય સુવિધાઓ છે. મહેસૂલી માર્ગદર્શન, કાનુની માર્ગદર્શન, સમાજ સુરક્ષા વગેરે પ્રવૃત્તિ માટે આઠથી વધુ કાર્યાલયો પણ કાર્યરત રહેશે. ૫૦ વૈભવી રૂમ તેમજ બિઝનેસ અને રાજકીય જૂથો માટે અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. ‘સરદારધામ ભવન’ પ્રોજેક્ટના બીજા તબક્કા અંતર્ગત હવે ૨૦૦ કરોડ રુપિયાના ખર્ચે ૨,૦૦૦ છોકરીઓ માટે છાત્રાલય બનાવવામાં આવશે. સંકુલના પ્રવેશ દ્વારમાં સરદાર વલ્લભભાઇની ૫૦ ફૂટ ઊંચી કાંસ્યની વિશાળ પ્રતિમા ૩.૫૦ કરોડ રુપિયા ના ખર્ચે સ્થાપિત કરાશે.