ગુજરાતમાં એક જ દિવસમાં નરેન્દ્ર મોદીના ત્રણ રોડ-શો

28 May, 2025 06:56 AM IST  |  Vadodara | Gujarati Mid-day Correspondent

વડોદરા, ભુજ અને અમદાવાદમાં મોટી સંખ્યામાં લોકો વડા પ્રધાનને સન્માનવા અને અભિવાદન કરવા ઊમટ્યા : રોડ-શોમાં જ્યાં જુઓ ત્યાં તિરંગા અને ગુલાબની પાંખડીઓની પુષ્પવર્ષા : અમદાવાદમાં કેસરી જીપમાં યોજાયો રોડ-શો

વડોદરામાં યોજાયેલા રોડ-શોમાં સ્ટૉપ ટેરરિઝમના લખાણ સાથેનાં પ્લૅકાર્ડ લઈને લોકો ઊમટ્યા હતા.

ઑપરેશન સિંદૂર પછી પહેલી વાર ગુજરાત આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એક જ દિવસમાં ત્રણ રોડ-શો વડોદરા, ભુજ અને અમદાવાદમાં યોજાયા હતા. ત્રણેય શહેરમાં મોટી સંખ્યામાં લોકો નરેન્દ્ર મોદીને સન્માનવા અને અભિવાદન કરવા ઊમટ્યા હતા. રોડ-શોમાં જ્યાં જુઓ ત્યાં તિરંગા લહેરાતા હતા અને ગુલાબની પાંખડીઓની પુષ્પવર્ષા વડા પ્રધાન પર થતી હતી. અમદાવાદમાં કેસરી કલરની જીપમાં બેસીને નરેન્દ્ર મોદીએ રોડ-શો યોજ્યો હતો.

ઑપરેશન સિંદૂરનાં સાહસ, શૌર્ય અને પરાક્રમને વધાવતાં અમદાવાદના રોડ-શોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અમદાવાદના શહેરીજનોએ ઉમળકાભેર આવકાર્યા હતા. નરેન્દ્ર મોદીએ સૌનું અભિવાદન ઝીલ્યું હતું. વડા પ્રધાન સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી. આર. પાટીલ જોડાયા હતા. અમદાવાદ ઍરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી યોજાયેલા રોડ-શોમાં ભારતીય સેનાની શૌર્યપૂર્ણ કામગીરી અને ભારતીય સંસ્કૃતિની ઝાંકી દર્શાવતાં વિવિધ ટેબ્લો, રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતાં હોર્ડિંગ્સ, દેશભક્તિનાં ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ રંગ જમાવ્યો હતો. તિરંગા થીમ પર કરવામાં આવેલી રોશનીથી ઍરપોર્ટનો આઇકૉનિક રોડ ઝળહળી ઊઠ્યો હતો.

અમદાવાદમાં યોજાયેલા રોડ-શોમાં કેસરી જીપમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સૌનું અભિવાદન ઝીલ્યું હતું. તેમની સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી. આર. પાટીલ જોડાયા હતા.

વડોદરામાં યોજાયેલી સિંદૂર યાત્રામાં વડોદરાવાસીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું દેશભક્તિના માહોલમાં ઉમળકાભેર સ્વાગત-સન્માન કર્યું હતું. જૂના ઍરપોર્ટથી ઍરફોર્સ સ્ટેશન સુધી યોજાયેલા આ રોડ-શોમાં ભારત માતાની જયના ગગનભેદી જયઘોષની સાથે વિવિધ ઝાંકીઓ અને દેશભક્તિનાં ગીતોએ રોડ-શોમાં દેશભક્તિનો માહોલ રચ્યો હતો.

ભુજના રોડ-શોમાં ઊમટેલા કચ્છી માડુંઓ અને તસવીરમાં ઉપર એક કિલોમીટર લાંબો તિરંગો દેખાય છે. 

કચ્છના ભુજમાં હિલ ગાર્ડનથી સભાસ્થળ સુધી યોજાયેલા રોડ-શોમાં ઠેર-ઠેર નરેન્દ્ર મોદી પર કચ્છી માડુંઓએ ગુલાબની પાંખડીઓની પુષ્પવર્ષા કરીને ભારત માતા કી જયના ગગનભેદી નારા લગાવીને સ્વાગત સાથે અભિવાદન કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદીએ જનમેદનીનું ઉષ્માભર્યું અભિવાદન ઝીલતાં-ઝીલતાં આગળ વધતા હતા. રોડ-શોના રૂટ પર કચ્છ તિરંગા સાથે ઊમટ્યું હતું. એટલું જ નહીં, રોડ-શોના રૂટ પર એક કિલોમીટર લાંબો તિરંગો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

operation sindoor narendra modi bhuj vadodara ahmedabad gujarat gujarat news news