મોદીના હસ્તે આજે સાબરમતી આશ્રમથી આઝાદીના અમૃત મહોત્સવનો આરંભ

12 March, 2021 09:58 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

મોદીના હસ્તે આજે સાબરમતી આશ્રમથી આઝાદીના અમૃત મહોત્સવનો આરંભ

સાબરમતી આશ્રમ

દેશની આઝાદીની લડતમાં જે આશ્રમ કેન્દ્રસ્થાને રહ્યો હતો એ અમદાવાદમાં આવેલા સાબરમતી આશ્રમથી દેશની આઝાદીનાં ૭૫ વર્ષ પૂરાં થવાના અવસરે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો પ્રારંભ કરાવશે. એટલું જ નહીં, આ મહોત્સવની શરૂઆત મહાત્મા ગાંધીજીની ઐતિહાસિક દાંડીયાત્રાની સ્મૃતિમાં સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી સુધી ૩૮૬ કિલોમીટરની પદયાત્રાથી નરેન્દ્ર મોદી કરાવશે. સંભવતઃ નરેન્દ્ર મોદી ખુદ દાંડીબ્રિજ સુધી પદયાત્રા કરીને જશે અને એ રીતે તેઓ પણ થોડે સુધી પદયાત્રામાં જોડાય એવી સંભાવના છે.

દાંડીયાત્રાના માર્ગમાં આવતા અને દેશની આઝાદીની ચળવળમાં મહત્ત્વનાં સ્થળો જેવા કે રાજકોટ, કચ્છના માંડવી, પોરબંદર, વડોદરા, સુરતના બારડોલી અને દાંડી ખાતે દેશભક્તિના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો, સાઇકલ–બાઇકરૅલી, પદયાત્રા, વૃશ્રારોપણ સહિતના કાર્યક્રમો યોજાશે. નરેન્દ્ર મોદી આ પ્રસંગે સભાને પણ સંબોધશે અને વિશેષ જાહેરાત કરે એવી પણ સંભાવના છે.

આઝાદીના અમૃત મહોત્સવની શરૂઆત અને દાંડીયાત્રાને લઈને અમદાવાદને રોશનીથી શણગારાયું છે. દાંડીબ્રિજ પર ગાંધીબાપુના ક્વોટ સાથેના સ્લોગનનાં બોર્ડ લગાવ્યાં છે અને બ્રિજ પર ડેકોરેશન કરાયું છે. દાંડીયાત્રામાં જોડાનાર ૮૧ જેટલા પદયાત્રીઓનું દરેક ગામમાં પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવશે.

shailesh nayak ahmedabad gujarat narendra modi