27 May, 2025 11:29 AM IST | Bhuj | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી
ભુજમાં ગઈ કાલે ૫૩,૪૦૦ કરોડ રૂપિયાના ૩૧ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આતંકવાદના મામલે આકરું વલણ દાખવતાં પાકિસ્તાનને આડા હાથે લીધું હતું. તેમણે કહ્યું હતું કે ‘ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. આજે પાકિસ્તાનની શું હાલત છે? આજે પાકિસ્તાનનાં બાળકોએ અને લોકોએ વિચારવું પડશે કે તમારી સેના, તમારા શાસકો આતંકના પડછાયામાં મોટાં થઈ રહ્યાં છે. તમારી સરકાર આતંકવાદને ટેકો આપી રહી છે. આ તેમની સેના માટે પૈસા કમાવાનું સાધન બની ગયું છે. તેઓ તમારા ભવિષ્યનો નાશ કરી રહ્યા છે, તેઓ તમને અંધકારમાં ધકેલી રહ્યા છે. પાકિસ્તાનના લોકોએ આગળ આવવું પડશે. સુખચેનથી જીવન જીવો અને તમારી રોટલી ખાઓ, નહીંતર મારી ગોળી તો છે જ. અમે શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ પસંદ કર્યો છે.’
આ ઉપરાંત બીજું શું કહ્યું?
અમે બતાવ્યું છે કે અમે આતંકવાદીઓનાં ઠેકાણાંઓનો નાશ કરી શકીએ છીએ.
મેં દેશની સેનાને છૂટ આપી છે. આતંકવાદીઓનાં મુખ્યાલયો સેનાના નિશાના પર હતાં. આપણી સેના આસપાસના વિસ્તારોને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના પાછી ફરી. આ બતાવે છે કે આપણી સેના કેટલી સક્ષમ અને શિસ્તબદ્ધ છે. આપણે દેખાડી દીધું છે કે અમે આતંકવાદીઓનાં ઠેકાણાંઓનો નાશ કરી શકીએ છીએ. આપણી સેનાની તાકાત હતી કે આજે પણ પાકિસ્તાનના બધા હવાઈ માર્ગો ICUમાં છે.
આતંકવાદ પાકિસ્તાન માટે પર્યટન છે. આજે કચ્છનું પર્યટન દુનિયામાં પ્રખ્યાત છે. અમે પર્યટનને પણ પ્રોત્સાહન આપી રહ્યા છીએ. એ જ સમયે પાકિસ્તાન જેવો દેશ છે જે આતંકવાદને પર્યટન માને છે, જે વિશ્વ માટે એક મોટો ખતરો છે.
એક સમય હતો જ્યારે માંડવી જહાજ નિર્માણ માટે પ્રખ્યાત હતું. આજે પણ એ શક્તિ માંડવીમાં દેખાય છે. હવે આપણે આધુનિક જહાજમાં બેસીને દુનિયાભરમાં ફરવા માગીએ છીએ, આપણે એનું ઉત્પાદન અને નિકાસ કરવા માગીએ છીએ. ભાવનગરના અલંગમાં સૌથી મોટું શિપબ્રેકિંગ યાર્ડ છે. હવે આપણે શિપનિર્માણમાં પણ રોકાણ કર્યું છે.