પૅટ્રોલિંગ કરતી પોલીસે બાળકને ખાનગી હૉસ્પિટલમાં પહોંચાડી જીવ બચાવ્યો

16 May, 2020 12:41 PM IST  |  Mumbai Desk | Agencies

પૅટ્રોલિંગ કરતી પોલીસે બાળકને ખાનગી હૉસ્પિટલમાં પહોંચાડી જીવ બચાવ્યો

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા ૨૪ કલાકમાં પોલીસની માનવતા અને લોકસેવાના બે કિસ્સા જોવા મળ્યા છે. ગીર સોમનાથ પ્રભાસ પાટણમાં નવજાત બાળકને વધુ સારવારની જરૂર હોઈ પૅટ્રોલિંગ કરતી પોલીસ ટીમે પોતાના વાહનમાં બાળકને ખાનગી હૉસ્પિટલમાં ખસેડી તેનો જીવ બચાવ્યો હતો. આવી જ રીતે ધંધુકા પોલીસે ચેકિંગ દરમિયાન વતન જઈ રહેલી મહિલાને પ્રસવપીડા થતાં તેને હૉસ્પિટલ જવા સમજાવી હતી અને બાદમાં એ મહિલા અને તેની નવજાત બાળકીને હેમખેમ વતન મોકલવાની વ્યવસ્થા પણ કરી હતી. ભાવનગરના ગારિયાધારથી આદિવાસી મજૂરોને લઈ મધ્ય પ્રદેશના અલીરાજપુર જવા નીકળેલી બસમાં પ્રસવપીડાના દરદથી હેરાન થઈ રહેલી મહિલાને ધંધુકા પોલીસે બરવાળા હાઇવે પર ચેકિંગ માટે રોકી હતી. બસમાં જ મહિલાને ડિલિવરી થઈ જાય એવી પરિસ્થિતિ લાગતાં પોલીસે મજૂરના પરિવારને સમજાવી તેમને હૉસ્પિટલમાં લઈ ગઈ હતી જ્યાં મહિલાએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. અમદાવાદ જિલ્લા પોલીસવડા આર.વી. અસારીએ મહિલાને બાળકી સાથે સહીસલામત મધ્ય પ્રદેશ મોકલવાની વ્યવસ્થા કરી આજે વહેલી સવારે મધ્ય પ્રદેશ પહોંચાડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. 

લૉકડાઉનમાં બરવાળા-ધંધુકા રોડ ઉપર આવેલી ઇસ્જી હૉસ્પિટલ ચેકપોસ્ટ પર બુધવારે મોડી રાતે ધંધુકા પોલીસ-સ્ટેશનના વાય. બી. ગોહિલ અને તેમની ટીમ વાહન-ચેકિંગ કરી રહી હતી. ભાવનગરના ગારિયાધારથી મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લામાં મજૂરોને મૂકવા માટે મંજૂરી લઈ જઈ રહેલી ખાનગી બસમાં મજૂરોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું, જેમાં કૉન્સ્ટેબલ કુલદીપસિંહ ડાભીને ધ્યાનમાં આવ્યું હતું કે બસમાં એક મહિલા ગર્ભવતી છે અને તેને પ્રસવપીડા થઈ રહી છે. આથી મહિલાને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવા માટે પોલીસે કહ્યું હતું. પરંતુ મજૂરોએ બસમાં જ રસ્તામાં ડિલિવરી કરાવી દેશે, અમારે રોકાવું નથી, અમને માંડ મધ્ય પ્રદેશ જવા પરમિશન મળી છે એથી બસમાં જ અમે આ મહિલાને ડિલિવરી કરાવીશું એવું કહ્યું હતું; પરંતુ ધંધુકા પોલીસે તેમને સમજાવ્યા હતા કે આગળ બસમાં મુસાફરી કરવી માતા-બાળક માટે જોખમી છે. મહિલાને હૉસ્પિટલમાં લઈ ડિલિવરી થયા બાદ અમે તેમને મધ્ય પ્રદેશ મૂકી જવાની વ્યવસ્થા કરી આપીશું એવી ખાતરી આપી હતી. ધંધુકા ઇસ્જી હૉસ્પિટલમાં મોડી રાતે તેણે બાળકીને જન્મ આપ્યો હતો. માતા અને બાળકીની એકદમ તંદુરસ્ત હોવાથી હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા.

gujarat ahmedabad