મગફળીકાંડના તાર CM ઑફિસ સુધી જોડાયેલા , ચોકીદાર પોતે જ ચોર: પરેશ ધાનાણી

23 June, 2019 07:44 AM IST  | 

મગફળીકાંડના તાર CM ઑફિસ સુધી જોડાયેલા , ચોકીદાર પોતે જ ચોર: પરેશ ધાનાણી

ફાઈલ ફોટો

રાજ્યમાં ફરી એક વાર મગફળી કૌભાંડ સામે આવ્યું છે. કચ્છના ગાંધીધામમાં આવેલા શાંતિ ગોડાઉનમાં ખેડૂતોએ દરોડા પાડ્યા હતા એ દરમ્યાન મગફળીની ગૂણીમાં પથ્થર અને માટીના ઢેફા નીકળ્યા હતા. આ મુદ્દે ફરી એક વાર વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ઝંપલાવ્યું છે. ધાનાણીએ સરકાર અને સત્તાધારી બીજેપી પર સનસનીખેજ આક્ષેપ કર્યો છે. ધાનાણીએ કહ્યું કે ‘સરકારના મળતિયાઓએ કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે. આ કૌભાંડમાં બીજેપીના મળતિયાઓ જોડાયેલા છે.’ ધાનાણીએ એટલેથી ન અટકતાં ત્યાં સુધી કહ્યું કે મગફળી કૌભાંડના તાર ચીફ મિનિસ્ટર (સીએમ) ઑફિસ સુધી જોડાયેલા છે.

ધાનાણીએ કહ્યું કે ‘ગુજરાતની જનતા સવાલ પૂછે છે કે કોના ઇશારે આ મગફળી કૌભાંડને છાવરવામાં આવી રહ્યું છે. પાપ છાપરે ચડીને પોકારી રહ્યું છે છતાં બે-બે વર્ષ પછી રાજ્ય સરકાર મગફળીકાંડના મળતિયાઓને છાવરી રહી હતી. મગફળીમાંથી કાંકરા નીકળે છે એનો જવાબ સરકાર આપે. સરકારના જ મળતિયાઓએ પહેલાં મગફળીના ગોડાઉન સળગાવ્યાં હતાં. મેં ૯૬ જગ્યાએ પ્રતીક ઉપવાસ કરી ધરણા કર્યા હતા.’

આ પણ વાંચો: હલવા સેરેમની સાથે શરૂ થયું બજેટનું પ્રિન્ટિંગ, જાણો આ પરંપરા કેમ છે ખાસ?

ધાનાણીએ હાઈ કોર્ટના જજની અધ્યક્ષતા હેઠળ તપાસ થાય એવી માગણી કરતાં ધાનાણીએ કહ્યું કે ‘જો મગફળી કાંડની તટસ્થ તપાસ થાય તો મગફળીકાંડના તાર મુખ્ય પ્રધાનના કાર્યાલય સુધી જાય એવી પૂરતી શક્યતા છે. મગફળીકાંડમાં ચોકીદાર જ ચોર છે.'

gujarat gujarati mid-day