25 May, 2025 06:19 AM IST | Surat | Gujarati Mid-day Correspondent
સુરતમાં તુર્કીવાડનું સાઇન-બોર્ડ
સુરતમાં તુર્કીવાડ, બંગલાદેશ અને પાકિસ્તાન જેવા દુશ્મન દેશનાં નામથી ઓળખાતા વિસ્તારોનાં નામ બદલવા માટે સુરતના ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્ય મુકેશ દલાલે ગઈ કાલે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ માગણી કરી છે અને આવાં નામોને વીર જવાનોનું અપમાન ગણાવ્યું છે.
મુકેશ દલાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુરતના મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને આવા વિસ્તારોની યાદી બનાવી નવા નામકરણ કરવાની માગણી કરી છે, કેમ કે સુરત શહેરમાં ઘણા વિસ્તારોનાં નામ એવા છે જે ભારતના દુશ્મન દેશોને સપોર્ટ કરતાં છે. મ્યુનિસિપલ કૉર્પોરેશનની ઑફિસ પાછળ તુર્કીવાડ આવેલી છે તો સચિનથી ઊન વિસ્તારમાં કેટલાક સ્લમ વિસ્તાર બંગલાદેશ અને પાકિસ્તાન નામે ઓળખાળ છે એ ચલાવી લેવાય નહીં. સુરત શહેરમાં તુર્કીવાડ, બંગલાદેશ, પાકિસ્તાન નામથી વિસ્તાર ઓળખાય એ વીર જવાનોનું અપમાન છે, સુરતીઓનું અપમાન છે. આવા દેશો આતંકવાદને, કટ્ટર સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન અને સપોર્ટ આપી દેશમાં અસ્થિરતા સર્જતા હોય તેમ જ દેશની એકતા અને અખંડિતતાને જોખમરૂપ હોય એવા દેશોનાં નામ કેમ ચલાવી લેવાય? શહેરમાં શત્રુ દેશનાં નામથી ઓળખાતા વિસ્તારોની યાદી બનાવીને એ તમામ નામો કાઢી નાખી પ્રજાની લાગણી અને માગણીને સંતોષે એવા નવાં રાષ્ટ્રવાદી નામોથી નામકરણ કરવું જોઈએ.’