09 October, 2026 10:08 AM IST | vadodara | Gujarati Mid-day Correspondent
વડોદરામાં એકસાથે ૪૬,૮૧૮ કરતાં વધુ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા.
વડોદરામાં મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં નવરાત્રિ પહેલાં બુધવારે રાતે વિકસિત ભારત સંકલ્પ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એકસાથે ૪૬,૮૧૮થી વધુ ખેલૈયાઓએ વિશ્વના સૌથી મોટા ગરબાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ સ્થાપ્યો હતો. જાણીતા કલાકાર અતુલ પુરોહિતે ગરબા ગાઈને ખેલૈયાઓને ઉત્સાહપૂર્ણ રીતે ગરબે રમાડ્યા હતા.
વડોદરાના મ્યુનિસિપલ કમિશનર મહેશ અરુણ બાબુએ કહ્યું હતું કે ‘વિકસિત ભારત સંકલ્પ ગરબાના આયોજન દ્વારા ૪૬,૮૧૮થી વધુ ખેલૈયાઓ સાથે વિશ્વના સૌથી મોટા ગરબાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ સ્થાપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડનો અવૉર્ડ વડોદરા શહેરના નાગરિકોને સમર્પિત છે. કાર્યક્રમની શરૂઆતમાં કલા અને સંસ્કારી નગરી, સ્વચ્છતા, નારીશક્તિ અને વિકસિત ભારત સંકલ્પ એમ ૪ થીમ પર હ્યુમન ચેઇન બનાવવામાં આવી હતી.’
ગરબામાં ઉપસ્થિત રહેલા નાગરિકોએ સામૂહિક સ્વચ્છતાનો સંકલ્પ લઈને, સ્વચ્છતા સે સ્વાગત અભિયાનના સ્વયંસેવક બનીને શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. અંબેમાતાના ગરબા દ્વારા નારીશક્તિનો મહિમા ઉજાગર કરતાં નારીશક્તિની ઊર્જા, ઉદ્યમશીલતા, ખમીર અને ધૈર્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ ઉપરાંત ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસિત બનાવવાના લક્ષ્યને પામવા માટે વિકસિત ભારત 2047નો સંકલ્પ લેવામાં આવ્યો હતો. ૨૦૪૭ સુધીમાં વિકસિત અને સમૃદ્ધ ભારતના નિર્માણ માટેની સામૂહિક પ્રતિબદ્ધતા અને વિશ્વાસની ભાવના કેળવીને દેશના ભવિષ્યના ઘડતર માટે વડોદરાવાસીઓ દ્વારા જવાબદાર, સભાન અને સમર્પિત નાગરિક બનવા તરફનું ડગલું માંડવાનો નિશ્ચય કરવામાં આવ્યો હતો.