ગુજરાતમાં ૧,૨૫,૭૦૭ બાળકો કુપોષણથી પીડિત

17 March, 2023 11:17 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

૧,૦૧,૫૮૬ બાળકો ઓછા વજનવાળાં હોવાનો ગુજરાત સરકારે વિધાનસભા કર્યો સ્વીકાર

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

અમદાવાદ : ગુજરાતમાં ૧,૨૫,૭૦૭ બાળકો કુપોષણથી પીડિત હોવાનો તેમ જ ૧,૦૧,૫૮૬ બાળકો ઓછા વજનવાળા હોવાનો ગુજરાત સરકારે સ્વીકાર કર્યો છે.

ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે જેમાં ગઈ કાલે કૉન્ગ્રેસ પક્ષના વિધાનસભ્યોએ ગુજરાતમાં કુપોષીત બાળકો વિશે પ્રશ્ન પૂછ્યા હતા, જેના જવાબમાં મહિલા અને બાળ વિકાસ વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં ૧,૨૫,૭૦૭ બાળકો કુપોષીત છે. ૧,૦૧,૫૮૬ બાળકો ઓછા વજનવાળા છે અને ૨૪,૧૨૧ બાળકો અતિઓછા વજનવાળા છે. સૌથી વધુ નર્મદા જિલ્લામાં ૧૨,૪૯૨ બાળકો, વડોદરા જિલ્લામાં ૧૧,૩૨૨ બાળકો, આણંદ જિલ્લામાં ૯૬૧૫ બાળકો, સાબરકાંઠા જિલ્લામાં ૭૨૭૦ બાળકો, સુરત જિલ્લામાં ૬૯૬૭ બાળકો, ભરૂચ જિલ્લામાં ૫૮૬૩ બાળકો, પંચમહાલ જિલ્લામાં ૫૮૪૧ બાળકો, મહિસાગર જિલ્લામાં ૫૬૮૬ બાળકો, છોટાઉદેપુર જિલ્લામાં ૫૨૧૭ બાળકો અને ખેડા જિલ્લામાં ૫૦૨૧ બાળકો કુપોષીત છે.

નોંધપાત્ર છે કે ત્રણથી છ વર્ષની વય જૂથનાં મોટા ભાગનાં બાળકોને આંગણવાડીઓમાં ગરમ નાસ્તો અને બપોરનું ગરમ ભોજન આપવામાં આવતું નથી. એટલું જ નહીં મોટા ભાગનાં બાળકોને અઠવાડિયામાં બે વખત ફળો આપવામાં આવતાં નથી. વિપક્ષના સભ્યોએ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે નક્કર કામગીરી કરવા માટે રાજ્ય સરકારને અપીલ કરી હતી. 

gujarat news Gujarat Congress ahmedabad