જામનગરમાં એક ઓમાઇક્રોન પૉઝિટિવ, ત્રણના રિપોર્ટ બાકી

05 December, 2021 08:58 AM IST  |  Rajkot | Rashmin Shah

વાઇબ્રન્ટ સમિટની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયેલી ગુજરાત ગવર્નમેન્ટે નવા નિયમો જાહેર કર્યા, પણ એનું પાલન ચુસ્તપણે થાય છે કે નહીં એ જોવાની દરકાર ન રાખતાં સોમવારે ઝિમ્બાબ્વેથી આવેલા જામનગરના વડીલ સાથે નવો વેરિઅન્ટ ગુજરાતમાં થયો એન્ટર

પ્રતીકાત્મક તસવીર

ઝિમ્બાબ્વેથી સોમવારે પાછા આવેલા જામનગરના એક વૃદ્ધને સામાન્ય તાવ અને શરદી-ખાંસી વચ્ચે કોવિડ રિપોર્ટ પૉઝિટિવ આવતાં કોરોનાનો ઓમાઇક્રોન વેરિઅન્ટ ન હોય એની ચકાસણી માટે સૅમ્પલ ગાંધીનગર અને પુણેની લૅબોરેટરીમાં મોકલાતાં ગઈ કાલે ગાંધીનગર લૅબોરેટરીમાંથી આવેલા રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે વડીલમાં ઓમાઇક્રોન પૉઝિટિવ છે. ઓમાઇક્રોન પૉઝિટિવનો પહેલો કેસ આવતાં ગુજરાત ગવર્નમેન્ટ પણ સફાળી જાગી ગઈ હતી અને તાત્કાલીક મેડિકલ એક્સપર્ટ્સની મીટિંગ લેવામાં આવી હતી તો હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે પણ આ સંદર્ભમાં મીટિંગ કરવામાં આવી હતી જેમાં ઓમાઇક્રોન પૉઝિટિવ વડીલ જે કોઈના સંપર્કમાં આવ્યા હોય એ તમામનું સ્ક્રીનિંગ અને જરૂર પડે તેને આઇસોલેટ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 
૨૮ નવેમ્બરે ગુજરાત આવેલા ૭૨ વર્ષના વડીલનો કોરોના પૉઝિટિવ રિપોર્ટ ગુરુવારે સાંજે આવતાં તેમને આઇસોલેટ કરવામાં આવ્યા હતા, પણ એ પહેલાં તે અમુક લોકોના સીધા કે આડકતરા સંપર્કમાં આવ્યા હોવાનું પ્રાથમિક અનુમાન છે જેમાં મુંબઈની પણ વ્યક્તિઓ છે તો અમદાવાદ-જામનગર નૅશનલ હાઇવે પર આવેલી બે રેસ્ટોરાંના સ્ટાફ અને ત્યાં અવરજવર કરતા અન્ય લોકોનો સમાવેશ થાય છે. આ તમામનો સંપર્ક કરવાનું કામ ઑલરેડી ગઈ કાલે બપોરથી જ ચાલુ કરી દેવામાં આવ્યું છે. જામનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર વિજય ખરાડીએ કહ્યું હતું, ‘કોવિડ પછી એ વડીલ કોઈના કૉન્ટેક્ટમાં ન આવે એની સાવચેતી રાખવામાં આવી છે. જામનગરમાંથી અન્ય ત્રણ પેશન્ટનાં સૅમ્પલ્સ પણ પુણે અને ગાંધીનગર ગયાં છે, જેના રિપોર્ટ હજી આવવાના બાકી છે.’
નડી ગઈ બેદરકારી
ગુજરાત સરકાર દ્વારા કોવિડ સંદર્ભે કોર કમિટી બનાવવામાં આવતી હતી જે વીકમાં મુખ્ય પ્રધાન સાથે બે મીટિંગ કરતી, પણ એ મીટિંગ વિજય રૂપાણી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યાં સુધી જ થઈ. નવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આવતાં એ મીટિંગ તો બંધ થઈ જ, પણ કોર કમિટીએ આંતરિક મીટિંગ પણ બંધ કરી દીધી હતી જે ગઈ કાલે પહેલી વાર થઈ હતી. નવી સરકાર અને નવા મુખ્ય પ્રધાનનું ધ્યાન છેલ્લા થોડા સમયથી માત્ર અને માત્ર વાઇબ્રન્ટ ગુજરાત પર હતું, પણ ઓમાઇક્રોનના કારણે હવે વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારીનું કામ પણ ધીમું પાડવામાં આવે એવું ગુજરાત સરકાર સાથે સંકળાયેલા એક અધિકારીએ કહ્યું હતું.
૧૦ જાન્યુઆરીએ વાઇબ્રન્ટ સમિટનું ઓપનિંગ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે. સમિટની ઑલમોસ્ટ ૭૦ ટકા તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. ત્રણ વર્ષે થઈ રહેલી આ સમિટ માટે ગુજરાત સરકાર દ્વારા અલગ-અલગ સ્ટેટમાં પ્રમોશન પણ શરૂ કરવામાં આવ્યું છે જેમાં દિલ્હી અને મુંબઈના કાર્યક્રમો પૂરા થઈ ગયા છે અને મંગળવારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ બૅન્ગલોરની મુલાકાત લેવાના છે, પણ ગઈ કાલે ઓમાઇક્રોનના પહેલા કેસ સાથે હવે વાઇબ્રન્ટ સમિટ માટે શંકાઓ જન્મી છે જેને લીધે અત્યારના તબક્કે તૈયારીઓ અટકાવવામાં નહીં આવે, પણ એને ધીમી કરવામાં આવશે અને જો જોખમ જણાશે તો સમિટને જાન્યુઆરીને બદલે પાછળ લઈ જવામાં આવે એવી કે પછી એના મોટા ભાગના કાર્યક્રમોને ડિજિટલ પ્લૅટફૉર્મ પર લઈ જવામાં આવે એવું બની શકે છે.

gujarat gujarat news Omicron Variant Rashmin Shah