સ્ટૅચ્યુ ઑફ યુનિટીમાં આખો દિવસ સંસ્કૃત ભાષામાં કાર્યક્રમનું પ્રસારણ

06 August, 2022 08:42 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

૧૨ ઑગસ્ટે વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે અહીં સહેલાણીઓને થશે નોખો અનુભવ, કાર્યક્રમનો અનુવાદ પણ કરશે આરજે

સ્ટૅચ્યુ ઑફ યુનિટી (ફાઇલ તસવીર)

૧૨ ઑગસ્ટે વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે સ્ટૅચ્યુ ઑફ યુનિટી આવનારા સહેલાણીઓને અનોખો અનુભવ થશે. સ્ટૅચ્યુ ઑફ યુનિટી ખાતે રેડિયો પરથી આદિવાસી આરજે (રેડિયો જૉકી) આખો દિવસ સંસ્કૃત ભાષામાં કાર્યક્રમનું પ્રસારણ કરશે અને શ્રોતાઓ એને સમજી શકે એ માટે ગુજરાતી અને હિન્દીમાં અનુવાદ પણ કરશે.

સ્ટૅચ્યુ ઑફ યુનિટીના જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્ટૅચ્યુ ઑફ યુનિટી પરિસરમાં રેડિયો યુનિટી ૯૦ એફએમ પરથી અનેકવિધ કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવે છે. ૧૨ ઑગસ્ટે વિશ્વ સંસ્કૃત દિવસ છે ત્યારે આખો દિવસ રેડિયો યુનિટી પરથી સંસ્કૃત ભાષામાં કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે. સાથોસાથ એનો ગુજરાતી અને હિન્દી ભાષામાં અનુવાદ પણ આરજે કરશે, જેથી અહીં આવતા સહેલાણીઓ સહિતના શ્રોતાઓ એને સમજી શકે. ગયા વર્ષે પણ પહેલી વાર અમે આ પ્રયોગ કર્યો હતો. સ્ટૅચ્યુ ઑફ યુનિટીમાં ૧૫ ગાઇડ છે જેમને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને સંસ્કૃત ભારતીના સહયોગથી એકતાનગર ખાતે અને ત્યાર બાદ વારાણસીમાં સંસ્કૃત ભાષાની તાલીમ આપવામાં આવી હતી. આ પૈકીના ચાર યુવાઓ આરજે તરીકે તૈયાર થયા છે જેઓ રેડિયો જૉકી તરીકે રેડિયો યુનિટીમાં કામ કરે છે તેઓ સંસ્કૃત ભાષામાં કાર્યક્રમનું પ્રસારણ કરશે.’

gujarat gujarat news vadodara statue of unity