અમદાવાદમાં દિવ્યાંગ વ્યક્તિ બસમાં કરી શકશે ફ્રી પ્રવાસ

26 January, 2023 01:12 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસે પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ સિનિયર સિટિઝન્સ માટે ફ્રી બસ સર્વિસ ૭૫ને બદલે ૬૫ વર્ષ કરી 

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

અમદાવાદ : ગુજરાતના અમદાવાદમાં દિવ્યાંગજનોને લાલ બસના ભાડામાંથી હવે આઝાદી મળી જશે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસે પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ આવકારદાયક નિર્ણય લીધો છે કે ટ્રાન્સપોર્ટની લાલ બસમાં દિવ્યાંગજનોએ ટિકિટ લેવી નહીં પડે અને ફ્રીમાં મુસાફરી કરી શકશે. એટલું જ નહીં, પીક-અવર્સમાં અલગથી મહિલા બસ શરૂ કરવાનો નિર્ણય પણ કર્યો છે. સિનિયર સિટિઝન્સ માટે ફ્રી બસ સેવા ૭૫ વર્ષને બદલે ૬૫ વર્ષ કરાતાં ૫૦,૦૦૦થી વધુ સિનિયર સિટિઝન પાસ કઢાવીને બસના ભાડામાંથી આઝાદી મેળવીને બસમાં ફ્રી મુસાફરી કરી રહ્યા છે. 

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ચૅરમૅન વલ્લભ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘ગયા વર્ષે અમે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટની બસોમાં ૭૫ વર્ષથી ઉપરની ઉંમરના સિનિયર સિટિઝન્સ માટે ફ્રી સર્વિસ રાખી હતી, પરંતુ આ ઉંમર ઘટાડવા માટે સૂચન આવ્યા પછી અમે વયમર્યાદા ઘટાડીને ૬૫ વર્ષની કરી હતી અને ૬૫ વર્ષથી ઉપરની ઉંમરના સિનિયર સિટ‌િઝન્સ માટે એએમટીએસની બસમાં ફ્રી સર્વિસની જાહેરાત કરી હતી, જેમાં ૫૦,૭૦૦થી વધુ સિનિયર સિટિઝન્સ ફ્રી બસ પાસ કઢાવીને અમદાવાદ શહેરમાં ટિકિટ ખરીદ્યા વગર ફ્રી મુસાફરી કરી રહ્યા છે. હવે આ ‍વખતે એએમટીએસની બસોમાં દિવ્યાંગ પ્રવાસીઓને વિનામૂલ્ય પ્રવાસ કરવા દેવા માટે પાસ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર અને એની આસપાસના વિસ્તારોમાં જ્યાં પણ લાલ બસ જતી હશે ત્યાં દિવ્યાંગજનો બસમાં ફ્રી ફરી શકશે. આ સેવા આગામી એપ્રિલ મહિનાથી શરૂ કરવામાં આવશે અને એને માટે સરકારી નોર્મ્સ પ્રમાણે પાસ કાઢી આપવામાં આવશે. આ ઉપરાંત અન્ય એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે કે એએમટીએસના દરેક ઝોનમાં કોઈ પણ એક રૂટ પર જ્યાં મહિલા પ્રવાસીઓ વધુ હોય ત્યાં પીક-અવર્સમાં અલગથી મહિલા બસ સર્વિસ શરૂ કરવામાં આવશે.’ 

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં ગઈ કાલે વર્ષ ૨૦૨૩-’૨૪નું ૫૭૪ કરોડનું બજેટ રજૂ થયું હતું અને એ મંજૂર કરવામાં આવ્યું હતું.

gujarat news ahmedabad shailesh nayak republic day