અંબાજી સહિતનાં મંદિરોમાં માઈભક્તોનાં ઘોડાપૂર ઊમટ્યાં

27 September, 2022 08:31 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

નવરાત્રિના પ્રથમ દિવસે ઘટ-સ્થાપન, પૂજા-અર્ચના, અનુષ્ઠાન અને માતાજીના ગરબા સાથે ગુજરાતનાં શક્તિપીઠોમાં નવરાત્રિ પર્વનો થયો શુભારંભ

અંબાજી મંદિરમાં ગઈ કાલે દર્શન કરી રહેલા માઈભક્તો

શક્તિની ભક્તિના મહાપર્વસમા નવરા​​ત્રિ પર્વનો ગઈ કાલથી ગુજરાતમાં હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થયો છે. નોરતાંના પ્રથમ દિવસે અંબાજી, પાવાગઢ, બહુચરાજી, ચોટીલા, માતાનો મઢ સહિતનાં મંદિરોમાં માઈભક્તોનાં ઘોડાપૂર ઊમટ્યાં હતાં અને માતાજીનાં દર્શન કરીને આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

માતાજીનાં મંદિરોમાં ઘટ-સ્થાપન, પૂજા-અર્ચના, અનુષ્ઠાન અને માતાજીના ગરબા સાથે ગુજરાતનાં શક્તિપીઠોમાં નવરાત્રિ પર્વનો ગઈ કાલથી શુભારંભ થયો હતો. શક્તિપીઠ અંબાજીમાં અંબે માતાજી, પાવાગઢમાં કાલિકા માતાજી, બહુચરાજીમાં બહુચર માતાજી, ચોટીલાનાં ચામુંડા માતાજી, માતાના મઢમાં આશાપુરા માતાજી, અમદાવાદમાં ભદ્રકાળી માતાજી, કોયલા ડુંગર પર હરસિ​દ્ધિ માતાજી સહિતનાં દેવી-સ્થાનકોમાં લાખોની સંખ્યામાં માઈભક્તો દર્શન માટે ઊમટ્યા હતા. કોરોનાનાં બે વર્ષ બાદ નવરાત્રિની ઉજવણી થઈ રહી છે ત્યારે શક્તિપીઠોમાં માનવ મહેરામણ ઊમટ્યું હતું. ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષા ડૉ. નિમા આચાર્યએ નવરાત્રિના પ્રથમ દિવસે ભુજમાં બાલદુર્ગાઓનું પૂજન કર્યું હતું.

gujarat gujarat news navratri