હવે, રિવરફ્રન્ટથી સીધા જ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી શકાશે

16 July, 2019 09:10 PM IST  |  Ahmedabad

હવે, રિવરફ્રન્ટથી સીધા જ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી શકાશે

Ahmedabad : હવે નજીકના ભવિષ્યમાં સાબરમતી રિવરફ્રન્ટથી સી-પ્લેન મારફતે સીધા જ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એવી નર્મદાના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચી શકાશે. આ માટે રાજય સરકારે કેન્દ્ર સરકારના સહયોગમાં મહત્વની કવાયત આરંભી છે. જેમાં સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ શેત્રુંજય ડેમ સુધી લોકો વિમાનમાં જઈ શકે તે માટે સી-પ્લેનની કવાયત કેન્દ્ર સરકારે શરૂ કરી દીધી છે. તો સાથે સાથે ઉડાન યોજના હેઠળ અમદાવાદથી ઉજ્જૈન સહિત અનેક નાના શહેરોને જોડતી વિમાન સેવા શરૂ કરવા માટે સરકારે પ્રક્રિયા શરૂ કરી છે.

નજીકના ભવિષ્યમાં સી-પ્લેન સહિતની સમગ્ર કામગીરી અને પ્લાનીંગ ચાલી રહ્યા છે. જે પૂર્ણ થતાંની સાથે જ સાબરમતી રિવરફ્રન્ટથી સીધા જ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જઇ શકાશે. સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, શેત્રુંજ્ય ડેમ વચ્ચે સી-પ્લેન સેવા શરૂ થશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી સુરત, અમદાવાદથી કિશનગઢ, ઉદેપુર, બેલગાવી, જામનગરથી દિલ્હી, હૈદરાબાદ, બેંગ્લોર, ગોવા, હિંડન સુધી આ સેવા સરકાર શરૂ કરશે. ત્યાં જ ભાવનગરથી પુના અને કેશોદથી મુંબઈ હવાઈ સેવા શરૂ થશે. વેજલપુરના એમએલએના સવાલમાં નાગરિક ઉડ્ડયન વિભાગે આ જવાબ આપ્યો હતો.

આ પણ જુઓ : રાજકોટઃ સ્વામિનારાયણ ગુરુકુળમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે થઈ ખાસ પૂજા અર્ચના

ઉલ્લેખનીય છે કે, ઉડાન યોજના હેઠળ સરકારે સી-પ્લેન સહિત અનેક એરલાઈન્સ પાસેથી પ્રસ્તાવ મંગાવ્યા છે. જેની ચકાસણી બાદ સંદ થનારી એરલાઈન્સની જાહેરાત કરવામાં આવશે. વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર રિવરફ્રન્ટથી અંબાજી સુધી સી-પ્લેનમાં પ્રવાસ કર્યો હતો. સી-પ્લેનની સફર સફળ થતાં હવે તેનો લાભ જાહેરજનતા સુધી પહોંચાડવાનો મહત્વનો નિર્ણય મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને આગામી મહિનાઓમાં અમદાવાદના રિવરફ્રન્ટ ખાતેથી આ અદ્ભુત અને રોમાંચભરી સેવા શરૂ કરવામાં આવશે.

ahmedabad gujarat