09 June, 2025 06:57 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
નવ મહિનાના બાળકની સાથે તેના વાલી અને ડૉક્ટર સહિત હૉસ્પિટલનો સ્ટાફ.
જૂનાગઢના માંગરોળમાં નવ મહિનાનું બાળક રમકડાના મોબાઇલનો લાઇટ-એમિટિંગ ડાયોડ (LED) બલ્બ ગળી જતાં એ શ્વાસનળીમાં ફસાઈ ગયો હતો. આ હાલતમાં બાળકને તેના વાલી સારવાર માટે અમદાવાદ સિવિલ હૉસ્પિટલ લઈ આવતાં સર્જ્યને બાળક પર સફળતાપૂર્વક સર્જરી કરીને સલામત રીતે બલ્બ બહાર કાઢીને બાળકને બચાવ્યું હતું.
એકસ-રેમાં દેખાઈ રહેલો બલ્બ (ઉપર) અને ઑપરેશન કરીને બહાર કાઢવામાં આવેલો બલ્બ.
માંગરોળમાં રહેતા અને સુથારકામ કરતા જુનેદ યુસુફના નવ મહિનાના પુત્ર મોહમ્મદને છેલ્લા ૧૫ દિવસથી ઉધરસ આવતી હતી. જૂનાગઢમાં એક્સ-રે કાઢવામાં આવતાં શ્વાસનળીમાં કંઈક હોવાની ખબર પડી હતી જેથી તેમના દીકરાને લઈને અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં લઈ આવ્યા હતા જ્યાં ત્રીજી જૂને પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં ઍડ્મિટ કરવામાં આવ્યો હતો. સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ અને પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશી અને તેમની ટીમે બાળકની બ્રોન્કોસ્કોપી કરી જમણી તરફની મુખ્ય શ્વાસનળીમાંથી બલ્બ બહાર કાઢ્યો હતો. ઑપરેશન બાદ બાળકની તબિયત ઝડપથી સુધરી રહી છે.