પરિસ્થિતિ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી નાઇટ કરફ્યુ ચાલુ રહેશે

25 November, 2020 09:36 AM IST  |  Gandhinagar | Agency

પરિસ્થિતિ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી નાઇટ કરફ્યુ ચાલુ રહેશે

વિજય રૂપાણી

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. કોરોના સંક્રમિત નાગરિકોને તરત સારવાર આપવા માટે પૂરતા પ્રમાણમાં કોવિડ બેડ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. મુખ્ય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે ત્વરિત પગલાં ભર્યાં છે, જેના ભાગરૂપે કોરોનાના કેસ વધવાની સાથે સૌથી પહેલાં અમદાવાદ શહેરમાં વીક-એન્ડ કરફ્યૂનો અમલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વડોદરા, સુરત અને રાજકોટમાં પણ રાત્રે ૯થી સવારે ૬ સુધી નાઇટ કરફ્યુ લગાવવામાં આવ્યો છે, જે પરિસ્થિતિ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે. રાજ્યમાં લગ્નો અને જાહેર સમારોહમાં પણ સંખ્યા ૨૦૦થી ઘટાડીને ૧૦૦ કરવામાં આવી છે, જ્યારે અંતિમવિધિમાં ૫૦ લોકોને સામેલ થવાની મંજૂરી આપવામાં આવી છે. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે અમદાવાદ સહિત અન્ય શહેરોમાં કોવિડ બેડની સંખ્યા વધારવામાં આવી છે.

હાલમાં લગભગ ૫૫,૦૦૦ આસસોલેશન બેડ ઉપલબ્ધ છે, જેમાં ૮૫ ટકા એટલે કે લગભગ ૪૫,૦૦૦ બેડ ખાલી છે.

જનરલ સર્વેલન્સ અને કમ્યુનિટી સર્વેલન્સ ટીમોની સંખ્યા મોટા પ્રમાણમાં વધારવામાં આવી છે. વિજય રૂપાણીએ કહ્યું હતું કે કોવિડ પ્રભાવિત વિસ્તારોમાં સારવાર માટે ૧૧૦૦ ધનવંન્તરી રથ કાર્યરત હતા, જેની સંખ્યા વધારીને ૧૭૦૦ કરવામાં આવી છે. આ રથ દ્વારા ડોર સ્ટૅપ ઓપીડી ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જે ખૂબ લોકપ્રિય બની છે. આ સેવાનો અત્યાર સુધીમાં ૧.૫૨ લાખ લોકોએ લાભ લીધો છે જેમાં શરદી, ઉધરસ સહિત વિવિધ રોગોના દરદીઓ સામેલ છે. ગુજરાત સરકારે રાજ્યમાં આરટી-પીસીઆર ટેસ્ટિંગ અને ઍન્ટિજન ટેસ્ટિંગનું પ્રમાણ મોટી માત્રામાં વધાર્યું છે, જે અંતર્ગત ગઈ કાલે લગભગ ૭૦,૦૦૦ ટેસ્ટ કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં કોરોનાના દરદીઓ માટે સંજીવની કોરોના ઘર સેવા - હોમ આઇસોલેશનની વ્યવસ્થા કરવામાં આવી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠક પછી ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોરોનાની રસી વહેલી આવશે એવી આશા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાની રસી સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. રાજ્યમાં આવનારી રસી ચાર જુદા-જુદા તબકક્કામાં આપવામાં આવશે. પહેલા તબક્કામાં કોરોનાની રસી ડૉક્ટર અને મેડિકલ સ્ટાફને આપવામાં આવશે. બીજા તબક્કામાં પોલીસ અને સફાઈ-કર્મચારીઓને આપવામાં આવશે. ત્રીજા તબક્કામાં ૫૦થી વધુ વયના લોકોને રસી આપવામાં આવશે. ચોથા તબક્કામાં ૫૦થી ઓછી વયના લોકોને રસી આપવામાં આવશે.

gujarat ahmedabad gandhinagar coronavirus covid19 Vijay Rupani