ગુજરાતનાં ચાર મહાનગરમાં નાઇટ કરફ્યુ યથાવત્, લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી

31 January, 2021 12:10 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાતનાં ચાર મહાનગરમાં નાઇટ કરફ્યુ યથાવત્, લગ્નમાં ૨૦૦ લોકોને મંજૂરી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય: જાગરણ)

રાજ્યનાં ૪ મહાનગરોમાં રાત્રિ કરફ્યુને લઈને પણ મોટો નિર્ણય લેવાયો છે. એના આધારે હવે ગુજરાતનાં ૪ મહાનગરોમાં ૧૫ ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફ્યુ યથાવત્‌ રાખવામાં આવ્યો છે. હવે રાતના ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ યથાવત્‌ રહેશે. સાથે જ લગ્ન પ્રસંગ માટે ૧૦૦ વ્યક્તિની પરવાનગીમાં પણ સરકાર દ્વારા ફેરફાર કરાયો છે, જેથી હવે જાહેરમાં લગ્ન પ્રસંગમાં ૧૦૦ને બદલે ૨૦૦ વ્યક્તિને છૂટ આપવામાં આવી છે. કોરોના કેરને કારણે લગ્ન સમારંભની સંખ્યા ઘટી ગઈ છે, જેને ધ્યાનમાં લઈને સરકારે મહેમાનોની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે. હવે ૨૦૦ લોકો લગ્નમાં હાજરી આપી શકશે, પરંતુ કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે, જેમાં ફરજિયાત માસ્ક, સૅનિટાઇઝર સહિતની વ્યવસ્થા રાખવી જરૂરી રહેશે. જો નિયમનો ભંગ થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું હતું કે છેલ્લા ચાર મહિનાથી સમગ્ર દેશમાં કોવિડ-19ના ઍક્ટિવ કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એટલું જ નહીં, ગુજરાતમાં તો રાજ્ય સરકારનાં સઘન આરોગ્યલક્ષી પગલાં અને લોકોના સક્રિય સહયોગથી કોરોના સંક્રમણનો વ્યાપ મહદંશે ઘટાડી શકાયો છે.

રાજ્યમાં પેશન્ટ રિકવરી રેટ ૯૩.૯૪ ટકા સુધી લઈ જવામાં સફળતા મળી છે, જેથી હવે કેટલાક નિયમો હળવા કરવામાં આવી રહ્યા છે. હવેથી હૉલ-હોટેલ-બેન્ક્‌વેટ હૉલ-ઑડિટોરિયમ-કમ્યુનિટી હૉલ-ટાઉન હૉલ-જ્ઞાતિની વાડી જેવાં બંધ સ્થળોએ સામાજિક-ધાર્મિક-મનોરંજન કે અન્ય સમારોહ-કાર્યક્રમો માટે સ્થળની કૅપેસિટીના ૫૦ ટકાની મર્યાદામાં સંખ્યા રાખી શકાશે, સાથે જ પાર્ટી પ્લૉટ-ખુલ્લાં મેદાનો-કૉમન પ્લૉટ કે અન્ય ખુલ્લાં સ્થળોએ મેળાવડા-સમારોહ માટે માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સ-હૅન્ડ સૅનિટાઇઝર સહિતની ગાઇડલાઇન્સનું ચુસ્ત પાલન કરવું પડશે. ગુજરાત સહિત દેશમાં કોવિડ-19 સંક્રમણને રોકવા અંગેની ભારત સરકારના ગૃહ મંત્રાલયે નૅશનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીના નિર્દેશો મુજબ ૨૭ જાન્યુઆરીએ બહાર પાડેલી માર્ગદર્શિકાનું ગુજરાતમાં પણ ચુસ્તપણે પાલન ૧ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી સુધી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવ્યું છે.

ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે રાજ્ય સરકારના આ નિર્ણયની જાહેરાત કરી હતી. પંકજકુમારે કહ્યું હતું કે રાજ્યમાં કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં તમામ પ્રવૃત્તિઓ પૂર્વવત્ ચાલુ રાખી શકાશે, પરંતુ કેટલીક પ્રવૃત્તિઓ સંદર્ભે નિયત કરાયેલા આદેશનું ચુસ્તપણે પાલન કરવું પડશે. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે રાજ્યનાં ચાર મહાનગર - અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં આગામી ૧૫ ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફ્યુનો અમલ રાત્રે ૧૧થી સવારના ૬ વાગ્યા સુધી કરવાનો રહેશે. જિલ્લા સત્તાધિકારીઓ-સ્થાનિક સત્તાધિકારીઓએ કોવિડ-19 અંગે યોગ્ય વર્તણૂકને ઉત્તેજન આપવા તેમ જ લોકો ચહેરાને યોગ્ય રીતે ઢાંકી રાખે, વારંવાર હાથ ધૂએ અને સ્વચ્છ રાખે તેમ જ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરે એ સુનિશ્ચિત કરવાનાં તમામ પગલાં લેવાનાં રહેશે. નૅશનલ ડાયરેક્ટિવ્ઝ ફૉર કોવિડ-19 મૅનેજમેન્ટનું સમગ્ર રાજ્યમાં ચુસ્તપણે પાલન પણ કરવાનું રહેશે.

coronavirus covid19 gujarat ahmedabad surat rajkot vadodara