News In Shorts : બિપરજૉય વાવાઝોડાથી અસરગ્રસ્ત ખેડૂતો માટે ૨૪૦ કરોડનું રાહત પૅકેજ 

15 July, 2023 09:59 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાત સરકારે કરેલા સર્વેમાં વાવાઝોડાથી ૧,૩૦,૦૦૦ હેક્ટરમાં પાકને અસર થઈ હોવાનુ બહાર આવ્યું છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

બિપરજૉય વાવાઝોડાથી અસરગ્રસ્ત ખેડૂતો માટે ૨૪૦ કરોડનું રાહત પૅકેજ 

ગુજરાતમાં ત્રાટકેલા બિપરજૉય વાવાઝોડાથી અસરગ્રસ્ત કચ્છ અને બનાસકાંઠાના ખેડૂતો માટે ૨૪૦ કરોડ રૂપિયાનું રાહત પૅકેજ ગુજરાત સરકારે ગઈ કાલે જાહેર કર્યું હતું. ગુજરાત સરકારે કરેલા સર્વેમાં વાવાઝોડાથી ૧,૩૦,૦૦૦ હેક્ટરમાં પાકને અસર થઈ હોવાનુ બહાર આવ્યું છે. બાગાયતી પાકોના ૧૦ ટકા કે એથી વધુ અને ૩૩ ટકા સુધીનાં વૃક્ષો નાશ પામ્યાં હશે તો તેમને માટે ખાસ કિસ્સામાં સહાય જાહેર કરવામાં આવી છે. ગુજરાતના કૃષિપ્રધાન રાઘવજી પટેલે કહ્યું કે ‘મુખ્યત્વે કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં અસર થઈ છે. આ જિલ્લામાં ૩૧૧ ટીમો દ્વારા સર્વે થયો હતો. આ પૅકેજમાં સૌપ્રથમ વખત સહાયના ધોરણમાં ફેરફાર કરીને બાગાયતી પાકોના ૧૦ કે એથી વધુ અને ૩૩ ટકા સુધી વૃક્ષો નાશ પામ્યાં હોય એ અન્વયે ખાસ કિસ્સામાં રાજ્ય ભંડોળમાંથી ૨૫,૦૦૦ રૂપિયા પ્રતિ હેક્ટર સહાય જાહેર કરવામાં આવી છે. ’ 

ઑસ્ટ્રેલિયામાં ખાલિસ્તાનીઓનો ભારતીય પર હુમલો

ઑસ્ટ્રેલિયામાં ખાલિસ્તાન સમર્થકોની ગુંડાગીરી એટલી વધી ગઈ છે કે હવે તેમણે રસ્તા વચ્ચે ભારતીયોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. સિડનીમાં ખાલિસ્તાની સમર્થકોએ ૨૩ વર્ષના એક ભારતીય વિદ્યાર્થીને રોડ પર ચાલતી વખતે સળિયાથી હુમલો કર્યો હતો. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી પર ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. ગુંડાઓએ લોખંડના સળિયા વડે માર માર્યો હતો. રિપોર્ટ મુજબ સિડનીના પશ્ચિમી ઉપનગર મૅરીલૅન્ડ્સમાં ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવતા હુમલાખોરોએ નોકરી પર જઈ રહેલા વિદ્યાર્થીને ટાર્ગેટ કરી હુમલો કર્યો હતો. વિદ્યાર્થી ડ્રાઇવર તરીકે નોકરી પણ કરે છે. ઑસ્ટ્રેલિયામાં ખાલિસ્તાની ગતિવિધિ છેલ્લા કેટલાક સમયથી વધી છે.

સરકારે ૯૦ રૂપિયા કિલોના ભાવે ટમેટાં વેચવાનું શરૂ કર્યું

 દેશના અનેક વિસ્તારોમાં ટમેટાંના ભાવમાં ભારે વધારો થયા બાદ કેન્દ્ર સરકારે લોકોને રાહત આપવા માટે પ્રયાસ શરૂ કરી દીધા છે. નૅશનલ કો-ઑપરેટિવ કન્ઝ્‍યુમર્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા અને નૅશનલ ઍગ્રિકલ્ચરલ કો-ઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ ગઈ કાલે દિલ્હી-એનસીઆર અને પટનામાં ૯૦ રૂપિયા કિલોની ડિસ્કાઉન્ટ કિંમતે ટમેટાં વેચવાનું શરૂ કર્યું છે. નૅશનલ કો-ઑપરેટિવ કન્ઝ્‍યુમર્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાના મૅનેજિંગ ડિરેક્ટર એનિસ જોસેફ ચન્દ્રએ કહ્યું હતું કે ‘સાંજ સુધી ૧૭,૦૦૦ કિલો ટમેટાંમાંથી લગભગ ૮૦ ટકાનું વેચાણ થઈ ગયું હતું. અમે આજથી દિલ્હી-એનસીઆરમાં ક્વૉન્ટિટી વધારીશું.’

કુનો નૅશનલ પાર્કમાં આઠમા ચિત્તાનું મોત

આફ્રિકાથી લાવવામાં આવેલો મેલ ચિત્તા સૂરજનું ગઈ કાલે મધ્ય પ્રદેશમાં કુનો નૅશનલ પાર્કમાં મોત થયું હતું. આ સાથે જ આ વર્ષે માર્ચથી શ્યોપુર જિલ્લામાં આવેલા આ પાર્કમાં મૃત્યુ પામનારા ચિત્તાની સંખ્યા આઠ પર પહોંચી છે. ગઈ કાલે સવારે મૉનિટરિંગ ટીમે પાલપુર-ઈસ્ટ ફૉરેસ્ટ રેન્જમાં સૂરજને જોયો હતો. આ ટીમના મેમ્બર્સ એની નજીક ગયા ત્યારે એના ગળાની આસપાસ જીવડાં ફરતાં હતાં, પરંતુ એ પછી એ ઊભો થઈને જતો રહ્યો. ત્યાર બાદ વેટરિનરી અને ફૉરેસ્ટ અધિકારીઓની એક ટીમ સવારે નવ વાગ્યે ઘટનાસ્થળે પહોંચી ત્યારે એ ચિત્તો મૃતઅવસ્થામાં મળ્યો હતો.  

gujarat news cyclone biparjoy australia madhya pradesh wildlife ahmedabad