કોરોના વાયરસના નવા સ્ટ્રેને ગુજરાતમાં વધારી ચિંતા, યુવાનો અને બાળકોને લાગે છે ચેપ

06 May, 2021 04:28 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

નવા સ્ટ્રેનની અસર તપાસી રહ્યું છે આરોગ્ય તંત્ર

પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોરોના વાયરસ (COVID-19)ની બીજી લહેર ભારે સાબિત થઈ રહી છે ત્યારે આ વાયરસ અતિ ઘાતક કહી શકાય તેવા નવા AP સ્ટ્રેન સાથે આવ્યો છે. જેના કારણે દેશના અન્ય રાજ્યોની સાથે ગુજરાતમાં પણ તેનું જોખમ ઉભું થયું છે અને આરોગ્ય તંત્ર તેની તપાસ કરી રહ્યું છે. આ વાયરસની ગંભીરતા એવી છે કે અન્ય વાયરસ કરતાં તે ૧૫ ગણું વધારે સંક્રમણ ફેલાવે છે. એટલું જ નહીં આ વાયરસની સૌથી વધુ અસર બાળકો અને યુવાનો પર જોવા મળી રહી છે.

આરોગ્ય વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે, આ નવો સ્ટ્રેન આંધ્રપ્રદેશમાં મળી આવ્યો છે. આ વાયરસનું સંક્રમણ એટલું બઘું ઝડપી છે કે લોકો ત્રણ થી ચાર દિવસમાં બિમાર પડી જાય છે. અગાઉના સ્ટ્રેન કરતાં પણ આ વધુ શક્તિશાળી છે. જેથી હાલ આવા અનેક સ્ટ્રેનની તપાસ કરવામાં આવી રહી છે અને તીવ્રતા ચકાસવામાં આવે છે.ગુજરાત સહિત દેશના રાજ્યોમાં અત્યારે જે સ્ટ્રેન છે તેનાથી સંક્રમણ વધ્યું છે અને હજારોની સંખ્યામાં કેસો સામે આવે છે.

ભારતમાં પ્રથમ લહેર હતી તે વાયરસ સમય જતાં નબળો બની ગયો હતો. હવે બીજી લહેરનો વાયરસ દેશભરમાં આતંક મચાવી રહ્યો છે ત્યારે આ નવા સ્ટ્રેનના કારણે આરોગ્ય વિભાગ ચિંતીત બન્યું છે. હાલ ડબલ માસ્ક સિવાય બહાર નિકળવામાં આવે તો સંક્રમણ લાગવાના ચાન્સ વધી જાય છે, પરંતુ આ નવા સ્ટ્રેનથી બચવા માટે ક્યા પગલાં લેવા તે અંગે ગુજરાત સહિતના રાજ્યો ચર્ચા વિચારણા કરી તેની સામે લડત આપવાની કોશિશ કરી રહ્યા છે.

નવો વાયરસ યુવાનોમાં અને બાળકોમાં ઝડપથી ફેલાય તેવી સંભાવના છે. તે સમયે આવનારી ત્રીજી લહેરના સાવચેતીના ભાગરપે અનેક રાજ્યોએ બાળકો માટે કોરોના કેર સેન્ટર ઉભા કરવાનું શરૂ કર્યું છે. ગુજરાત રાજ્ય પણ એ દિશામાં આગળ વધી રહ્યું છે. આ સ્ટ્રેન ઇમ્યુનિટી સિસ્ટમને પણ નુકસાન કરે છે, એટલે વધુ ચિંતા થઈ રહી છે.

coronavirus covid19 gujarat gujarat news ahmedabad