નવસારી જિલ્લામાં આવેલાં પૂરને પગલે ભારે તારાજી

07 August, 2019 07:51 AM IST  |  | રોનક જાની

નવસારી જિલ્લામાં આવેલાં પૂરને પગલે ભારે તારાજી

ડાંગ જિલ્લા તેમ જ નવસારીના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. વાંસદા ખાતે આવેલા જુજ અને કેલિયા ડૅમ છલકાયા બાદ પણ ડાંગ જિલ્લામાં  તેમ જ ઉપરવાસમાં સતત વરસેલા વરસાદને પગલે નવસારીની કાવેરી, અંબિકા, પૂર્ણા અને ખરેરા સહિત ઔરંગા નદીમાં ઘોડાપૂર આવતાં સમગ્ર જિલ્લો પાણી-પાણી થઈ ગયો હતો. ચારેકોર પાણીથી ઘેરાતાં ડાંગ અને નવસારી જિલ્લાના વહીવટી તંત્ર સતત ત્રણ દિવસ સુધી ખડેપગે રહી પૂરની પરિસ્થિતિ બાબતે લોકોને અલર્ટ કર્યા હતા. નવસારી જિલ્લા કલેક્ટરે રવિવાર સવારથી મોડી રાત સુધી ડિઝૅસ્ટર કચેરીમાં રહી ફરજ બજાવી હતી. નવસારીમાં આવેલા પૂરમાં ૪ જણે પોતાનો જીવ પણ ગુમાવ્યો છે જ્યારે અનેક માર્ગો અને કોઝવે ધોવાતાં વ્યાપક નુકસાન થયું છે. 

નવસારીના ઉપરવાસ તેમ જ ડાંગ જિલ્લામાં સતત ૧૨  દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે તો સાથે નવસારી જિલ્લામાં પણ એકધારા વરસાદને કારણે વાંસદામાં આવેલ કેલિયા અને જુજ ડૅમ ઓવરફ્લો થતાં જિલ્લાનાં ૪૦થી વધુ ગામોને અલર્ટ કરાયા છે. ભારે વરસાદ સાથે નવસારીમાં છેલ્લા એક અઠવાડિયાથી ધોધમાર વરસાદ રહેતાં જિલ્લાની મુખ્ય નદીઓ પૂર્ણા, અંબિકા અને કાવેરીમાં ઘોડાપૂર આવ્યું હતું. સતત ત્રણ દિવસ સુધી નવસારી, બીલીમોરા, ગણદેવી શહેર સાથે અનેક ગામોમાં પાણી રહેતાં હજારો લોકોને અસર થઈ હતી.  

ડાંગ જિલ્લામાં એકધારા વરસાદથી પૂર જેવી પરિસ્થિતિ સર્જાતાં સુબિર તાલુકાના મહાલ પાસે આવેલી એકલવ્ય મૉડલ રેસ‌િડેન્સી સ્કૂલમાં નાનાં બાળકો પાણી વધતાં ફસાયાં છે. સ્કૂલની ફરતે આવેલા પાણીને કારણે ૩૦૦ જેટલાં બાળકો સહિત સ્ટાફમાં પણ અફરાતફરી સર્જાઈ હતી. જોકે વન વિભાગની ટીમે સ્કૂલમાં પહોંચી જઈ વન વિભાગનાં વાહનોમાં તો કેટલાંક તેમની સાથે નાસતાં-ભાગતાં સ્કૂલની બહાર નીકળી ગયાં હતાં. વન વિભાગે ૨૮૮ બાળકો અને ૧૦ શિક્ષકોને રેસ્ક્યુ કરીને નજીકના ફૉરેસ્ટ વિભાગના સર્કિટ હાઉસ ખાતે લઈ ગયા હતા, જ્યાં બાળકોએ આખી રાત પલળેલી હાલતમાં વિતાવી હતી.

આ પણ વાંચો: સુષ્મા સ્વરાજ: દિલ્હીના પહેલા મહિલા સીએમથી વિદેશ પ્રધાન સુધીની સફર પર એક નજર

પૂરમાં કુલ ૫૮ વિસ્તારોમાં અસરગ્રસ્ત ૨૭૪૭ ઘરોની ૧૧,૪૬૨ અસરગ્રસ્ત વ્યક્તિઓ પૈકી ૬૮૨૭ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જે લોકોને ૮ આરોગ્ય સંજીવની મોબાઇલ વાહનો દ્વારા ઓપીડી સારવારની કામગીરી કરી ૪૭,૯૨૬ ક્લોરિન ટૅબ્લેટ અને ૨,૨૯,૭૫૦ જેટલી કૅપ ડોક્સિસાઇક્લિનનું તેમ જ ૯૪૫ ઓઆરએસ પાઉડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો પાણી ઓસર્યા બાદ ગંદકીની સાફસફાઈ કરી ચૂનાના પાઉડરનો છંટકાવ, ક્લોરિનેશન તથા ઍક્ટિવ સર્વેલન્સની કામગીરી હાથ ધરવાની તૈયારી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવી છે.

Gujarat Rains gujarati mid-day