ગુજરાતમાં ખેલૈયાઓ મધરાત સુધી ગરબાની મોજ માણી શકશે

23 September, 2022 08:19 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડીને રાતેના ૧૦થી ૧૨ સુધી લાઉડસ્પીકરના ઉપયોગ માટે શરતી મંજૂરી આપી

ફાઇલ તસવીર

ગુજરાતના ખેલૈયાઓ માટે આ વર્ષે ગુડ ન્યુઝ આવ્યા છે. કોરોનાનાં બે વર્ષ બાદ આ વર્ષે ગુજરાતમાં નવરાત્રિનું પર્વ હર્ષોલ્લાસ સાથે ઊજવાશે અને આ નવરાત્રિમાં ગુજરાતમાં ખેલૈયાઓ મધરાત સુધી ગરબે ઘૂમી શકશે. ગુજરાતમાં નવરાત્રિના નવ દિવસ દરમ્યાન રાત્રે ૧૨ વાગ્યા સુધી લાઉડસ્પીકર્સ વગાડી શકાશે એવી જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતના ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડીને નવરાત્રિના નવ દિવસ રાતના ૧૦થી ૧૨ સુધી લાઉડસ્પીકરના ઉપયોગ માટે શરતી મંજૂરી આપી છે.

ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ મીડિયાને કહ્યું હતું કે ‘લાઉડસ્પીકરની છૂટ આપવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. નિયમો પ્રમાણે વરસ દરમ્યાન ૧૧ દિવસની છૂટ મળતી હોય છે એમાંથી નવ દિવસ ગરબાના દિવસોમાં આ છૂટનો ઉપયોગ કરીને નિર્ણય લીધો છે. તમામ શહેરમાં, જિલ્લામાં નવરાત્રિની રમઝટ સારી રીતે થઈ શકે એ માટેની વ્યવસ્થા કરવાની તમામ પોલીસ કમિશનરને સૂચના આપવામાં આવી છે. ખેલૈયાઓને કોઈ પણ પ્રકારની ખલેલ ન પહોંચે એ માટે સૌ આયોજકો આજુબાજુના વિસ્તારની પરિસ્થિતિ જાણી જેમ કે હૉસ્પિટલ હોય, કોર્ટ બિલ્ડિંગ હોય તો આ પ્રકારના વિસ્તાર નજીકમાં હોય તો ખાસ કરીને નિયમોનું પાલન કરવાનું રહેશે.’

gujarat gujarat news navratri