Navratri 2021: અમદાવાદની પોળમાં ઓછી જગ્યામાં પણ ખેલૈયાઓએ બોલાવી ગરબાની રમઝટ

11 October, 2021 07:52 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

અમદાવાદમાં ઢાળની પોળમાં ઓછી જગ્યામાં પણ ખેલૈયાઓ ગરબાના તાલ પર ઝૂમતાં જોવા મળ્યા હતાં.

અમદાવાદની ઢાળની પોળમાં ખેલૈયાઓ મન મુકી ગરબે ઝૂમ્યાં

કોરોના ગાઈડલાઈન અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા શેરી ગરબાને પરવાનગી આપ્યા બાદ વર્ષો બાદ જાણે શેરી ગરબાની રોનક પાછી ફરી હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. પ્રથમ નોરતે જ ઠેર ઠેર પોળ, મહોલ્લા તથા સોસાયટીમાં યોજાયેલા શેરી ગરબામાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબાના તાલે ઝુમતા નજરે પડ્યા હતા. સાથે સાથે ઠેકઠેકાણે માઇ મંદિરોમાં દર્શનાર્થે ભકતોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.

અમદાવાદની ઢાળની પોળમાં ખેલૈયાઓએ ટ્રેડિશનલ પહેરી અવનવાં સ્ટેપ સાથે ગરબાની રમઝટ બોલાવી હતી. આધુનિક યુગમાં કોમર્શિયલ ગરબાનું ચલણ ખૂબ વધ્યું હતું અને શેરી ગરબાની પરંપરા જાણે વિસરાઇ ગઇ હોય તેમ છેલ્લા કેટલાક વર્ષોથી શેરી ગરબાની રોનક ઝાંખી પડી હતી. ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા શેરી ગરબાને લીલીઝંડી આપવામાં આવતા ખેલૈયાઓ તથા આયોજકો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

પોળમાં સીમિત જગ્યા હોવા છતાં પણ ગરબા રસીકોએ ગરબાની ભારે રમઝટ બોલાવી હતી. નાની જગ્યામાં પણ ગરબાની મજા કેવી રીકે માણી શકાય તે પોળની ખેલૈયાઓ પાસેથી શીખવા જેવુ છે. નાની-નાની સાંકડી ગલીઓમાં મા આદ્યાશક્તની સ્થાપના કરી આરતી કરી લોકો ગરબા રમવાની મોજ માણતાં જોવા મળ્યા હતાં. 

અહીં નોંધવુ રહ્યું કે, અમદાવાદ શહેરને યૂનેસ્કોની જૂલાઈ  2017 માં મળેલી બેઠક સમયે વૈશ્વિક હેરીટેજ શહેર જાહેર કરવામાં આવ્યુ હતું.યૂનેસ્કો દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત બાદ ઢાળની પોળનો વારસો એ શિર્ષક હેઠળ ઢાળની પોળના રીવાઈલટેશન પ્રોજેકટની જાહેરાત કરી હતી.

પોળ એ એવા મકાનોનો સમૂહ છે જેમાં એક જ જ્ઞાતિ, વ્યવસાય કે ધર્મથી જોડાયેલા લોકો સાથે રહે છે. અમદાવાદની પોળોની સંસ્કૃતિએ અમદાવાદને યુનેસ્કોની યાદીમાં સ્થાન મેળવવામાં મદદ કરી છે.

 

 

guajrat ahmedabad navratri gujarat news