પાણીની તંગી વચ્ચે વધી સરદાર સરોવર ડેમની જળસપાટી

06 June, 2019 03:31 PM IST  |  નર્મદા

પાણીની તંગી વચ્ચે વધી સરદાર સરોવર ડેમની જળસપાટી

રાજ્યના મોટા ભાગના શહેરો ગરમીથી પરેશાન છે. આગ ઝરતી ગરમીને કારણે રાજ્યના નાગરિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પાણીની તંગી પણ સર્જાઈ છે. દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. અને હજી વરસાદના કોઈ એંધાણ નથી. હજી તો કેરળમાં પણ ચોમાસું બેઠું નથી, ત્યારે ગુજરાતમાં ક્યારે વરસાદ પડશે તે સ્પષ્ટ નથી. એટલે કે પાણીની તંગી હજી કેટલાક દિવસો સુધી સહન કરવી પડી શકે છે.

જો કે પાણીની અછત વચ્ચે રાજ્યના નાગરિકો માટે સારા સમાચાર આવ્યા છે. ભર ઉનાળ વગર વરસાદે પણ રાજ્યની જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જી હાં, નર્મદા ડેમની જળસપાટી વધી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં નર્મદા ડેમમાંથી જ પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. હાલ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં જળ સપાટી 120.27 મીટર થઈ ચૂકી છે.

મળતી માહિતી પ્રમાણે સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી 6775 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેને કારણે જ ડેમનું જળસ્તર વધ્યું છે. સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી 121.92 મીટર છે. હાલ જળસ્તર 120.27 મીટરે પહોંચી ગઈ છે. અને ડેમમાં 1175 MCM લાઇવ સ્ટોરેજ પાણી છે. જેને કારણે હાલ ડેમમાંથી 1500 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

નર્મદા નદીમાં પાણીની સપાટી ઘટી જતાં નદીના પટમાં ખારાશ વધી રહી હોવાથી સરકારે વારંવાર રજૂઆતો બાદ નર્મદા નદીમાં પાણી છોડવાનો નિર્ણય લીધો છે. ભરૂચની આસપાસ નર્મદા નદી સુકોપટ બની જતાં જમીન ક્ષારયુક્ત થઈ રહી છે.

આ પણ વાંચોઃ રાજકોટના ડેમમાં 70 દિવસ ચાલે એટલું જ પાણી

ઉલ્લેખનીય છે કે આ પહેલા રાજ્ય સરકારે રાજકોટના આજી અને ન્યારી ડેમમાં નર્મદાનું પાણી આપવાનુ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. રાજકોટ શહેરને પાણી પહોંચાડતા આજી 1 અને ન્યારી 1 ડેમમાં નર્મદાના પાણીનું અપાતું હતું. જેને કારણે પાણીનો જથ્થો જળવાઈ રહેતો હતો. પરંતુ નર્મદા ડેમનું પાણી બંધ કરાતા રાજકોટ વાસીઓને ઓગસ્ટ મહિના સુધી મળે તેટલું જ પાણી આ ડેમમાં વધ્યું છે. 

gujarat news