12 May, 2026 07:05 AM IST | vadodara | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે વડોદરામાં સરદારધામના લોકાર્પણ પ્રસંગે પાટીદાર અગ્રણીઓએ નરેન્દ્ર મોદીનું સરદાર ગૌરવ રત્ન અવૉર્ડથી સન્માન કર્યું હતું.
છેલ્લાં કેટલાંક વર્ષથી ડેસ્ટિનેશન વેડિંગની બોલબાલા વધી છે ત્યારે ગઈ કાલે વડોદરામાં સરદારધામના લોકાર્પણ માટે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાટીદારોને ડેસ્ટિનેશન વેડિંગ માટે સ્થાન સૂચવીને અપીલ કરતાં કહ્યું હતું કે ‘હું તો તમને બધા પાટીદારો ભાઈઓને કહીશ કે તમારે તો લગ્ન સ્ટૅચ્યુ ઑફ યુનિટીમાં જઈને કરવાં જોઈએ. તમારાં દરેક લગ્નમાં સરદારસાહેબ ખુશ, આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેશે.’
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી સહિત પ્રધાનમંડળના સભ્યો તેમ જ પાટીદાર આગેવાનોની ઉપસ્થિતમાં વડોદરામાં વાઘોડિયા ચોકડી ખાતે સરદારધામનું નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે પાટીદારોએ નરેન્દ્ર મોદીનું સરદાર ગૌરવ રત્ન અવૉર્ડથી સન્માન કર્યું હતું. સભા બાદ નરેન્દ્ર મોદીનો રોડ-શો યોજાયો હતો.
સરદારધામના લોકાર્પણ બાદ સભા યોજાઈ હતી જેમાં ડેસ્ટિનેશન વેડિંગના વધી રહેલા ચલણને લઈને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘વિદેશમાં વેડિંગની ફૅશન ખૂબ વધી રહી છે. એમાં બહુ વિદેશી મુદ્રા ખર્ચ થાય છે. તમે વિચારો કે શું ભારતમાં એવી જગ્યા નથી જ્યાં આપણે વેકેશન મનાવીએ.’ આપણે આપણાં સ્થાનો પર ગર્વ કરીએ. વેડિંગ માટે પણ હું નથી માનતો કે ભારતથી વધુ સારી પવિત્ર જગ્યા કોઈ હોઈ શકે. અહીં લગ્ન કરીએ છીએ તો આપણા પૂર્વજોની માટી પણ આપણને આશીર્વાદ આપે છે. વેડિંગ માટે પણ ભારતનાં અનેક સ્થાન છે એમને પસંદ કરીએ. ગુજરાતમાં એમ પણ એકથી વધીને એક સ્થાન છે. હું તમને બધા પાટીદાર ભાઈઓને કહીશ કે તમારે તો લગ્ન સ્ટૅચ્યુ ઑફ યુનિટીમાં જઈને કરવાં જોઈએ. અહીં લગ્ન માટે જગ્યા બનાવો. ડેસ્ટિનેશન વેડિંગ માટે પણ એકતાનગર બહુ શાનદાર વિકલ્પ હોઈ શકે છે. સ્ટૅચ્યુ ઑફ યુનિટીમાં એટલી શાનદાર વ્યવસ્થા છે. ગર્વ છે કે દુનિયાનું સૌથી ઊંચું સ્ટૅચ્યુ સરદાર વલ્લભભાઈ પટેલનું છે.’