નરેન્દ્ર મોદી @ 70: દરેક સદ્કાર્યો 70ના અંકમાં કરવાનું આયોજન

15 September, 2020 07:16 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

નરેન્દ્ર મોદી @ 70: દરેક સદ્કાર્યો 70ના અંકમાં કરવાનું આયોજન

નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ગઈ કાલે અમદાવાદમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત બીજેપીના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા અને અમદાવાદ શહેર અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના કાર્યકરો ઉપસ્થિત હતા.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૭૦ વર્ષ પૂરાં કરીને ૭૧મા વર્ષમાં પ્રવેશ કરવાના છે ત્યારે ગુજરાતમાં બીજેપી દ્વારા તેમના જન્મદિનને વિશિષ્ટ રીતે સદ્કાર્યોથી ઊજવાશે. નરેન્દ્ર મોદીનાં પૂરાં થતાં ૭૦ વર્ષને લઈને દરેક સદ્કાર્યો ૭૦ના અંકમાં કરવાનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કોવિડ-19થી પ્રભાવિત ૭૦ વ્યક્તિઓને પ્લાઝમા ડોનેટ કરવાનું, ગુજરાતમાં ૭૦ સ્થળોએ રક્તદાન શિબિર યોજીને બ્લડ એકત્ર કરવા સહિતનાં સદ્કાર્યો કરવામાં આવશે.

ગુજરાત બીજેપીના મીડિયા વિભાગના પ્રદેશ કન્વીનર પ્રશાંત વાળાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આગામી ૧૭ સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદી ૭૦ વર્ષ પૂરાં કરીને ૭૧મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સેવાના ભાવથી ગુજરાતમાં સેવા સપ્તાહની શરૂઆત કરવામાં આવી છે જે ૨૦ સપ્ટેમ્બર સુધી ચાલશે. કોરોના વાઇરસની મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક સ્તરે કોવિડ-19થી પ્રભાવિત ૭૦ વ્યક્તિઓને આવશ્યકતા અનુસાર હૉસ્પિટલના માધ્યમથી પ્લાઝમા ડોનેટ કરવામાં આવશે. પ્રદેશ યુવા મોરચા દ્વારા ગુજરાતમાં ૭૦ સ્થળોએ રક્તદાન શિબિર યોજવામાં આવશે અને દરેક શિબિરમાં ૭૦થી વધુ બ્લડ યુનિટ એકત્ર કરવાનો પ્રયાસ થશે. ગુજરાતમાં દરેક મંડળમાં ઓછામાં ઓછા ૭૦ દિવ્યાંગોને કૃત્રિમ અંગ અને સાધન-સહાય તેમ જ ૭૦ ગરીબ ભાઈ-બહેનોને આવશ્યકતા અનુસાર ચશ્માં અપાશે. ગુજરાતના દરેક જિલ્લા અને મહાનગરોમાં ૭૦ સેવા વસ્તી તેમ જ નૉન-કોવિડ હૉસ્પિટલોમાં કોવિડ-19ની માર્ગદર્શિકા પ્રમાણે ફળ વિતરણ સહિતનાં સેવાકીય કાર્યો કરાશે. આ ઉપરાંત પર્યાવરણને લઈને ગુજરાતનાં પ્રત્યેક બૂથમાં ૭૦ વૃક્ષો વાવવામાં આવશે જેની શરૂઆત ગઈ કાલથી શરૂ થઈ છે. અમદાવાદમાં ગઈ કાલે ગુજરાત બીજેપીના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા અને અમદાવાદ બીજેપીના શહેર અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના કાર્યકરોએ વૃક્ષારોપણ કર્યું હતું. દરેક જિલ્લામાં ૭૦ ગામોમાં, જિલ્લા કેન્દ્રોમાં અને મહાનગરોમાં ૭૦ જાહેર સ્થળોએ સ્વચ્છતા કાર્ય કરીને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્તિનો સંકલ્પ લેવડાવાશે અને નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી જીવન પર આધારિત ૭૦ વેબિનારનું આયોજન કરવામાં આવશે.’

gujarat ahmedabad narendra modi shailesh nayak