મુંબઈ અને ગુજરાતને મળશે સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત

28 September, 2022 10:58 AM IST  |  Mumbai | Shailesh Nayak

નરેન્દ્ર મોદી ૨૯-૩૦ સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે આવશે, અંબાજીમાં તારંગા આબુ રેલવેલાઇનનું ભૂમિપૂજન કરશે, ગબ્બર પર મહાઆરતીમાં ભાગ લેશે અને ગાંધીનગર-મુંબઈ વચ્ચે સેમી હાઈ સ્પીડ ટ્રેન તેમ જ અમદાવાદમાં મેટ્રો ટ્રેન શરૂ કરાવશે

મુંબઈ અને ગુજરાતને મળશે સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત


અમદાવાદ ઃ મુંબઈ અને ગુજરાતને સેમી હાઈ સ્પીડ ટ્રેન મળવાની છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૯-૩૦ સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેઓ ગાંધીનગર-મુંબઈ વચ્ચે દોડનારી દેશની ત્રીજી વંદે ભારત ટ્રેન શરૂ કરાવશે. સુરત, ભાવનગર, અમદાવાદ, અંબાજીની મુલાકાત લેશે અને ગુજરાતમાં પ્રથમ વાર યોજાઈ રહેલી નૅશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે. એ ઉપરાંત રોડ શો, જાહેર સભા સંબોધવા ઉપરાંત વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ તેમ જ ખાતમુહૂર્ત પણ કરશે.
વડા પ્રધાન ગાંધીનગર રેલવે સ્ટેશનથી ૩૦ સપ્ટેમ્બરે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવીને ગાંધીનગર–મુંબઈ વચ્ચે એને શરૂ કરાવશે. ભારતની પહેલી સ્વદેશી સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત હાલમાં દિલ્હીથી વારાણસી અને માતા વૈષ્ણોદેવી કટરા વચ્ચે ચાલી રહી છે, એ પછીની આ ત્રીજી ટ્રેન હશે. ગુજરાતથી શરૂ થનારી આ ટ્રેનમાં પહેલી વખત ટ્રેન કોલાઇઝન અવૉઇડન્સ સિસ્ટમ ટેક્નિકથી લૉન્ચ કરવામાં આવી રહી છે. આ ટેક્નિકની મદદથી બે ટ્રેનની સામસામે થનારી અથડામણ જેવી દુર્ઘટના અટકાવી શકાશે. સેમી હાઈ સ્પીડ ટ્રેન ઝીરોથી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાક સુધીની ઝડપ માત્ર બાવન સેકન્ડમાં મેળવી લે છે. મુસાફરો માટે આ ટ્રેનમાં આધુનિક ટેક્નૉલૉજીની સુવિધા ઉપલબ્ધ થશે. નરેન્દ્ર મોદી ગાંધીનગર રેલવે સ્ટેશનથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને અમદાવાદ રેલવે સ્ટેશન આવશે અને કાળુપુર રેલવે સ્ટેશથી મેટ્રો ટ્રેનમાં બેસીને એનું ઉદ્ઘાટન કરી થલતેજ સુધી જશે. થલતેજમાં તેઓ જાહેર સભાને સંબોધશે.
નરેન્દ્ર મોદી અંબાજીમાં ૩૦ સપ્ટેમ્બરે તારંગા હિલ – આબુ બ્રૉડગેજ રેલવેલાઇનનું તેમ જ ડીસા ઍર ફોર્સ સ્ટેશનમાં રનવે સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ભૂમિપૂજન કરશે, જ્યારે પાલનપુર-મહેસાણા વચ્ચેની રેલવેલાઇનનું લોકાર્પણ કરશે અને અંબાજીમાં જાહેર સભા યોજશે. સાંજે અંબાજી મંદિરમાં પૂજા કરશે અને ત્યાર બાદ ગબ્બરમાં મહાઆરતીમાં ભાગ લેશે.
આ પહેલાં ૨૯ સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીનો સુરતમાં રોડ-શો યોજાશે. સુરતના હીરાઉદ્યોગના વેપારીઓ માટે શરૂ કરવામાં આવેલા મહત્ત્વાકાંક્ષી ડાયમન્ડ રિસર્ચ ઍન્ડ મર્કન્ટાઇલ સિટી પ્રોજેક્ટ જે ડ્રીમ સિટીના નામે ઓળખાય છે એનાં વિકાસકાર્યોનું, બાયોડાયવર્સિટી પાર્ક તેમ જ અન્ય વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. તેઓ અમદાવાદમાં નૅશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે અને ભાવનગરમાં વિશ્વના પ્રથમ સીએનજી ટર્મિનલનો શિલાન્યાસ કરશે. અહીં રીજનલ સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે.

gujarat news ahmedabad mumbai