ભરૂચના વાગરામાં ૯ ઇંચથી વધારે વરસાદ ખાબક્યો

13 July, 2022 11:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં કેટલાક દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેમાં ગઈ કાલે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં ૯ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો

ગુજરાતમાં ધોધમાર વરસાદ

અમદાવાદ  ઃ ગુજરાતમાં કેટલાક દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેમાં ગઈ કાલે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં ૯ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, એટલું જ નહીં, પરંતુ હજી પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાતમાં ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધી કચ્છ, ભરૂચ, ડાંગ, નવસારી, તાપી, વલસાડ, રાજકોટ, જામનગર, વડોદરા સહિતના જિલ્લાના ૧૪૪ તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં ૬૩ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો એ પૈકી ૧૭ તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ડાંગ જિલ્લાના વઘઈમાં ૬ ઇંચ, આહવામાં પાંચ ઇંચથી વધુ, તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં પાંચ ઇંચ, ડોલવણ તાલુકામાં પોણાપાંચ ઇંચ, નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં અને જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં સાડાચાર ઇંચ વરસાદ પડ્યો હતો.
વાગરા તાલુકામાં સવારે ૧૦થી ૧૨ વાગ્યા દરમ્યાન પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતની પૂર્ણા નદીમાં પૂર આવતાં નવસારી શહેર અને આસપાસનાં ગામડાંઓમાં પાણી ફરી વળ્યાં હતાં.

gujarat gujarat news bharuch