ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આકાશી આફતની શક્યતા

11 August, 2020 12:31 PM IST  |  Gandhinagar | Agencies

ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આકાશી આફતની શક્યતા

ગુજરાત મૉનસૂન

હાલમાં ગુજરાતમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે અને મેઘો થોડા દિવસના વિરામ બાદ સમગ્ર ગુજરાતમાં મન મૂકીને વરસી રહ્યો છે. જોકે ગુજરાતનાં કેટલાંક શહેરોમાં વરસાદના કારણે રોડ-રસ્તા બેસી ગયા છે તો કોઝવે પણ ઓવરફ્લો થઈ ગયા છે. રાજ્યના ૮ જિલ્લામાં ૪૦ ઇંચ કરતાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન ખાતાના આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૧૭૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર શહેરમાં ૬ ઇંચ વરસાદ વરસ્યો છે. આજે વહેલી સવારથી ૮૪ તાલુકામાં વરસાદ ખાબક્યો છે. હવે હવામાન વિભાગની આગાહી અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાયું છે અને રાજ્યની ઉપર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. લો પ્રેસરની મદદથી ગુજરાતને સારો વરસાદ મળશે તેવું હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે.

આગામી ૧૨ ઑગસ્ટ દક્ષિણ ગુજરાતમાં અને ૧૩ ઑગસ્ટ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાં જ ૧૨ ઑગસ્ટના રોજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકાર અનુસાર આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં સારો એવો વરસાદ વરસશે તથા રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

૧૨ ઑગસ્ટ દક્ષિણ ગુજરાત અને ૧૩ ઑગસ્ટ ઉત્તર ગુજરાત માટે ભારે બની રહેશે. હવામાન વિભાગની આ આગાહીના પગલે માની શકાય છે કે જન્માષ્ટમીના તહેવારે લોકો ઘરમાં જ રહેશે.

gujarat Gujarat Rains gandhinagar ahmedabad