મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં ચોમાસાનું આગમન, પાંચ દિવસની આગાહી

09 June, 2021 06:17 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

રાજ્યમાં આ વર્ષે ચોમાસાનું આગમન થોડુંક વહેલું થયું

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને મહારાષ્ટ્રમાં વરસાદનું આગમન થઈ ગયું છે. હવે મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું છે. આ બાબતની માહિતી હવામાન વિભાગે આપી છે. સાથે જ આગામી પાંચ દિવસ રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગઇકાલ બાદ આજે પણ મોડી રાતથી વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ગુજરાતના ચેરાપૂંજી કહેવાતા કપરાડામાં પણ મુશળધાર વરસાદ છે. વાપી અને આસપાસના વિસ્તારોમાં મોડી રાતથી વરસાદ ચાલુ છે.

ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ૯થી ૧૩ જૂન સુધી સૌરાષ્ટ્ર તથા દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, બોટાદ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ થાય છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, સુરત તથા ભરુચમાં વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.

તારીખ ૧૨ અને ૧૩ જૂનના રોજ મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદમાં પણ વરસાદની આગાહી જાહેર કરાઈ છે. જ્યારે સૌરાષ્ટ્રના અન્ય ભાગો તથા ઉત્તર ગુજરાતમાં આ દરમિયાન હવામાન સામાન્ય રહેશે. બીજી બાજુ વરસાદના આગમનને લીધે અમદાવાદના તાપમાનમાં પણ ઘટાડો થયો છે. જેમાં મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી જેટલું રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

સામાન્ય રીતે કેરળમાં ચોમાસું બેસે તેના ૧૫ દિવસમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થતું હોય છે પરંતુ આ વર્ષે ગુજરાતમાં ચોમાસાનું આગમન થોડું જલ્દી થયું છે.

gujarat Gujarat Rains saurashtra