અમદાવાદમાં મૅસિવ સેનેટાઈઝેશન કૅમ્પેઇન હાથ ધરાશે

09 May, 2020 09:00 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

અમદાવાદમાં મૅસિવ સેનેટાઈઝેશન કૅમ્પેઇન હાથ ધરાશે

પ્રતીકાત્મક તસવીર

કોરોનાની મહામારીમાં ગુજરાતના અમદાવાદ શહેરમાં કોરોના બેકાબૂ બની ગયો છે ત્યારે શહેરમાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા મ્યુનિસિપલ તંત્ર દ્રારા સમગ્ર શહેરમાં આજથી ડ્રોન અને સ્પેશ્યલ મશીન દ્વારા મૅસિવ સેનેટાઇઝેશન કેમ્પેઇન હાથ ધરવામાં આવશે. બીજી તરફ અમદાવાદમાં આવેલા પ્રાઇવેટ ક્લીનીક, હોસ્પિટલના ડૉકટર સહીતના મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફ માટે તંત્ર દ્વારા ૨૫ એ.સી.બસ મૂકવામાં આવશે.

અમદાવાદ શહેરમાં કોવિડ – ૧૯ની સમગ્ર કામગીરીના દેખરેખ, સંકલન, સુપરવિઝન અને મોનિટરિંગ માટેના વિશેષ અધિકારી ડૉ.રાજીવકુમાર ગુપ્તાએ આ જાહેરાત કરતા કહ્યું હતું કે ‘અમદાવાદ શહેરમાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે મહત્વના નિર્ણય લીધા છે.જેમાં આજથી એક મૅસિવ સેનેટાઇઝ કેમ્પેઇન અમદાવાદના દરેક ઝોનમાં અલગ અલગ વોર્ડમાં અલગ અલગ સોસાયટીમાં સ્પેશ્યલ મશીન દ્વારા, રેટ્રોફીટેડ મશીન દ્વારા અને જે વિસ્તાર ગીચ છે ત્યાં મશીન ના જઇ શકે ત્યાં ડ્રોન દ્વારા સેનેટાઇઝની કામગીરી કરવામાં આવશે.’
ખાનગી હોસ્પિટલના સ્ટાફ માટે કરાયેલી જાહેરાતની વાત કરતા તેઓએ કહ્યું હતું કે ‘અમદાવાદ મેડીકલ એસોસીએશનના હોદેદ્દારો સાથે ચર્ચા કરીને અમદાવાદની પ્રાઇવેટ ક્લિનિક, હોસ્પિટલ, નર્સિંગ હોમ ચાલુ થાય તેના માટે વ્યવસ્થા ગોઠવવા તેનુ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ એસોસીએશનની માગણી પ્રમાણે ૨૫ એરકન્ડિશન્ડ બસો મુકાશે.ડૉકટર, નર્સીસ સહિતના મેડીકલ અને પેરા મેડીકલ સ્ટાફ માટે આ બસ ચલાવવામાં આવશે.અમદાવાદ મેડીકલ એસોસિએશન રૂટ નકકી કરશે.આ સંપૂર્ણ વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખર્ચે થશે.અમદાવાદ મેડીકલ એસોસીએશન ગાઇડન્સ અને સંચાલન કરશે.’

આ ઉપરાંત અન્ય એક મહત્વના નિર્ણયની વાત કરતા તેઓએ કહ્યું હતું કે ‘જે ડૉકટર, નર્સીસ સહિત મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફ અત્યારે કોરોના વોરીયર્સ તરીકે સતત દિવસ રાત ફરજ બજાવે છે તેમને એડીશનલ ફાયનાશ્યલ કૉમ્પનશેસન અપાશે જેમાં ડૉકટરને ૨૫ હજાર, નર્સને ૧૫ હજાર અને બીજા સ્ટાફને ૧૦ હજાર રૂપિયા અગર જો ફરજ બજાવતી વખતે તેમને કોરોનાનો ચેપ લાગે તો આ વધારાની સહાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અપાશે.આ સહાય માત્ર મ્યુનિસિપલ હોસ્પિટલમાં નહી પરંતુ કોવિડ હોસ્પિટલ તરીકે પ્રાઇવેટ હોસ્પિટલને ડેઝિગ્નેટેડ કરી છે તે હોસ્પિટલના સ્ટાફને પણ આ લાગુ પડશે. ઉપરાંત બીજી સહાય સરકાર તરફથી કે સરકારી તંત્રને કે અમદાવાદ પાલિકાતંત્રને અવેલેબલ છે તે ઇન્સ્યોરન્સ પેકેજ છે અથવા બીજી સહાય છે તે પણ પ્રાઇવેટ કોવિડ હોસ્પિટલના સ્ટાફને મળશે.’

shailesh nayak gujarat ahmedabad