અતિક્રમણ સામે અમદાવાદમાં પહેલી વાર ઐતિહાસિક કાર્યવાહી

30 April, 2025 10:14 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ચંડોળા તળાવમાંથી ૧૫૦થી વધુ બંગલાદેશીઓ મળી આવ્યા અને ૨૫૦ જેટલા શકમંદની ચાલી રહી છે પૂછપરછ

ચંડોળા તળાવમાં ગેરકાયદે મકાનો અને ઝૂંપડાં તોડી પડાયાં હતાં.

ચંડોળા તળાવમાં સૌથી મોટું ડિમોલિશન : ગેરકાયદે વસતા બંગલાદેશીઓ અને અસામાજિક પ્રવૃત્તિ કરતાં તત્ત્વો માટેના સુરક્ષિત આશ્રયસ્થાન પર ગુજરાત સરકાર આખરે ત્રાટકી : થોડા સમય પહેલાં ચંડોળા તળાવમાંથી ૧૫૦થી વધુ બંગલાદેશીઓ મળી આવ્યા અને ૨૫૦ જેટલા શકમંદની ચાલી રહી છે પૂછપરછ   

ચંડોળા તળાવમાં લલ્લા પઠાણ બિહારીએ ઊભું કરેલું ગેરકાયદે ફાર્મહાઉસ.

આખરે ગુજરાતના અમદાવાદમાં પહેલી વાર ગુજરાત સરકારે હિંમત દાખવીને ગેરકાયદે વસતા બંગલાદેશીઓ અને અસામાજિક પ્રવૃત્તિ કરતાં તત્ત્વો માટેના સુરક્ષિત આશ્રયસ્થાન સમા ચંડોળા તળાવમાં પહેલી વાર ગઈ કાલે ગેરકાયદે અતિક્રમણ સામે ઐતિહાસિક કાર્યવાહી કરી હતી. અંદાજે ૧ લાખ ચોરસ મીટર દબાણયુક્ત ચંડોળા તળાવનો ભાગ ખુલ્લો કરવામાં આવ્યો હતો અને હજી પણ દબાણ હટાવવાની કાર્યવાહી ચાલી રહી છે. વહેલી સવારથી પોલીસ, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન, વીજકંપનીના કર્મચારીઓને સાથે રાખીને ગેરકાયદે દબાણો હટાવવાની મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ગુજરાતમાં વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ બાદ અમદાવાદમાં ગુજરાત સરકારે હાથ ધરેલું આ સૌથી મોટી ડિમો‌લિશન કાર્યવાહી હતી. ચંડોળા તળાવમાં ગેરકાયદે રીતે વિશાળ ફાર્મહાઉસ બનાવી દઈને અનેકવિધ ગેરકાયદે પ્રવૃત્તિઓ કરનાર લાલો બિહારી ફરાર થઈ ગયો છે, જ્યારે તેના દીકરાની પોલીસે અટકાયત કરી છે.   

ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ બેઠક યોજી
ચંડોળા તળાવનાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી દરમ્યાન ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ અમદાવાદમાં પોલીસ કમિશનર કચેરીએ બેઠક યોજી હતી અને ચંડોળા તળાવમાં થઈ રહેલી કાર્યવાહીની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં પોલીસ, મ્યુનિસિપલ કૉર્પોરેશન તેમ જ સરકારના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગેરકાયદે દબાણો તોડવા એક પછી એક બુલડોઝર બહાર આવી રહ્યાં હતાં. તસવીરોઃ જનક પટેલ.

૧૦.૯૬ લાખ ચોરસ મીટરમાં ફેલાયેલું છે ચંડોળા તળાવ  

અમદાવાદ શહેરમાં આવેલાં તળાવો પૈકી સૌથી મોટું ચંડોળા તળાવ છે જે ૧૦.૯૬ લાખ ચોરસ મીટરના ક્ષેત્રફળમાં ફેલાયેલું છે જેમાં ગેરકાયદે દબાણો હટાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ૫૦ ટીમો, ૫૦ જેસીબી અને ૫૦ ટ્રકો સાથે રખાઈ હતી. દબાણ હટાવવાની કામગીરી દરમ્યાન કોઈ દુર્ઘટના ન થાય એ માટે તકેદારીના ભાગરૂપે સાત ઍમ્બ્યુલન્સ, ડૉક્ટરોની ટીમ અને ફાયર વિભાગની સાત ટીમો સ્થળ પર રાખવામાં આવી હતી. દબાણ હટાવવાની કામગીરીનું ૨૦ વિડિયોગ્રાફરની ટીમ દ્વારા રેકૉર્ડિંગ કરાયું હતું. લાલા બિહારીના ગેરકાયદે ફાર્મ હાઉસ ખાતેથી ૧૫૦ ગેરકાયદે દબાણ દૂર કરાયાં હતાં. એ ઉપરાંત ગેરકાયદે વસતા બંગલાદેશીઓ સહિતના અન્ય લોકોએ બનાવેલાં અંદાજે ૨૦૦૦ જેટલાં કાચાં-પાકાં ઝૂંપડાં તોડી પાડીને અંદાજે ૧ લાખ ચોરસ મીટર દબાણયુક્ત તળાવનો ભાગ ખુલ્લો કર્યો હતો. 

ગેરકાયદે વસાહતમાં લાઇટ-પાણી કોની મહેરબાનીથી મળતાં હતાં?- ચંડોળા તળાવમાં ગેરકાયદે દબાણો દૂર કરાતાં નાગરિકોએ તંત્રની નીતિરીતિ સામે ઉઠાવ્યા પ્રશ્નો  

બંગલાદેશીઓ સહિત અસામાજિક તત્ત્વો માટે આશ્રય સમા ચંડોળા તળાવને અડ્ડો બનાવીને બેઠેલાઓ સામે આખરે ગુજરાત સરકારે કાર્યવાહી હાથ ધરી એને બિરદાવીને નાગરિકોએ સરાહના કરી હતી. એની સાથે-સાથે તંત્રની નીતિરીતિ સામે પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા કે જો આટલાં વર્ષોથી આ ગેરકાયદે વસાહત હતી તો એમાં લાઇટ-પાણી કોની મહેરબાનીથી મળતાં હતાં? ચંડોળા તળાવની ફરતે રસ્તા આવેલા છે ત્યાંથી મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, રાજકીય નેતાઓ પસાર થતા હશે તો આ ગેરકાયદે વસાહત નહીં જોતા હોય? જો ગેરકાયદે ઝૂંપડપટ્ટી હતી તો લાઇટ-કનેક્શન કોના કહેવાથી અપાયાં? અત્યાર સુધી કૉર્પોરેશનનું તંત્ર શું કરતું હતું? કોની મહેરબાનીથી લાલા બિહારીએ ચંડોળા તળાવમાં જ ગેરકાયદે વિશાળ ફાર્મ હાઉસ બનાવી દીધું હતું? 

ચંડોળા તળાવમાં મેહબૂબ ઉર્ફે લાલો ઉર્ફે લલ્લા બિહારી પઠાણનું સામ્રાજ્ય

બે લાખથી લઈને ૩૦ હજાર રૂપિયામાં મકાન આપતો : રિક્ષા ભાડે ફેરવવા આપતો : લાઇટ-કનેક્શન અપાવવા સહિત કંઈકેટલીયે અસામાજિક પ્રવૃત્તિ કરતો હતો 

ચંડોળા તળાવ વિસ્તારમાં મેહબૂબ ઉર્ફે લાલો ઉર્ફે લલ્લા ઉર્ફે લાલા બિહારી પઠાણનું સામ્રાજ્ય છેલ્લાં ૨૦ વર્ષથી ચાલતું હોવાનું જાણકારો કહી રહ્યા છે. તે અને તેનો દીકરો ફતેહ મોહમ્મદ તેમના મળતિયાઓ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓનું નેટવર્ક ચલાવતા હતા. ચંડોળા તળાવમાં લાલા બિહારીએ ગેરકાયદે વિશાળ ફાર્મ હાઉસ બનાવી દીધું હતું. એકલા લાલા બિહારીનાં જ ૧૫૦થી વધુ ગેરકાયદે દબાણો હતાં. ચંડોળા તળાવ વિસ્તારમાં આવતા ઘૂસણખોરો તેમ જ અન્ય લોકોને મકાન લેવું હોય તો બે લાખથી લઈને ૩૦ હજાર રૂપિયામાં મકાન આપતો હતો. આમ કરીને કંઈ કેટલાય રૂપિયા એકઠા કરી લીધા છે. આ ઉપરાંત રિક્ષા ભાડે ચલાવવા આપતો હતો તેમ જ પાર્કિંગના પ્લૉટ પણ રાખીને ગેરકાયદે કમાણી કરતો હતો.

gujarat news ahmedabad gujarat government bhupendra patel bangladesh