Lumpy Skin Disease : રાજસ્થાન અને ગુજરાતમાં હાહાકાર મચાવનાર રોગના શું છે લક્ષણો?

02 August, 2022 03:55 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

પાકિસ્તાનથી આવેલા આ રોગની હજી સુધી કોઈ સારવાર ઉપલબ્ધ નથી

કચ્છમાં લમ્પીગ્રસ્ત ગાયને સારવાર આપવામાં આવી રહી છે તેની ફાઇલ તસવીર

કોરોના વાયરસ (COVID-19) મહામારી બાદ હવે મંકીપોક્સ (Monkeypox) નામની બિમારી સામે દેશની જનતા ઝઝૂમી રહી છે. મંકીપોક્સના વધતા જતા કેસોથી લોકો ચિંતિત છે ત્યાં દેશમાં એક નવા રોગે દસ્તક આપી છે. જેનું નામ છે લમ્પી સ્કિન ડિસીઝ (Lumpy Skin Disease). લમ્પી સ્કિન ડિસીઝથી દેશમાં ટેન્શન વધી ગયું છે. પશુઓમાં ફેલાતા આ રોગને કારણે ગુજરાત અને રાજસ્થાનના ઘણા જિલ્લાઓ પ્રભાવિત થયા છે. ત્યારે જાણીએ કે આ રોગ ક્યાંથી આવ્યો અને તેના લક્ષણો શું છે.

પાકિસ્તાનથી આવ્યો છે રોગ

લમ્પી સ્કિન ડિસીઝ નામનો આ રોગ ગુજરાત અને રાજસ્થાનમાં હાહાકાર મચાવી રહ્યો છે. આ બીમારી અંગે રાજસ્થાનના અધિકારીઓનું કહેવું છે કે, આ ચેપી રોગ પડોશી દેશ પાકિસ્તાન થઈને એપ્રિલ મહિનામાં ભારતમાં આવ્યો હતો. આ રોગનું મૂળ આફ્રિકામાં જણાવવામાં આવી રહ્યું છે. વર્ષ ૧૯૨૯માં આફ્રિકામાં લમ્પી રોગનો પ્રથમ કેસ નોંધાયો હતો.

ચેપી રોગ લમ્પીના છે આ લક્ષણો

લમ્પી સ્કિન ડિસીઝ એક ચેપી રોગ છે. આ રોગની ચપેટમાં આવનાર પશુઓને તાવ આવે છે. ઢોરના આખા શરીરમાં ગઠ્ઠો કે પછી નરમ ફોલ્લાઓ થાય છે. મોંમાંથી લાળ નીકળે છે અને આંખો અને નાકમાંથી પણ સ્ત્રાવ થાય છે. પશુચિકિત્સકોના જણાવ્યા મુજબ, દૂધ ઉત્પાદનમાં ઘટાડો, ઢોરને યોગ્ય રીતે ખવડાવવામાં સક્ષમ ન હોવું પણ આ રોગના લક્ષણો છે. આ રોગના સંપર્કમાં આવતા પશુઓને લંગડાપણું, ન્યુમોનિયા, કસુવાવડ અને વંધ્યત્વનું જોખમ વધારે છે.

કઈ રીતે ફેલાય છે? શું છે ઉપાય?

લમ્પી વાયરસનો ચેપ મચ્છર-માખી અને ખોરાકના સંપર્ક દ્વારા તેમજ ચેપગ્રસ્ત પશુઓના સંપર્ક દ્વારા ફેલાય છે. તેની સારવાર માટે કોઈ રસી ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં ડૉકટરો માત્ર લક્ષણોના આધારે ઉપલબ્ધ દવાઓનો ઉપયોગ કરે છે. આ રોગથી બચવા માટે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે અને પશુઓને કોઈપણ ચેપગ્રસ્ત ઢોરના સંપર્કમાં આવવાથી બચાવવા જોઈએ.

ગુજરાત અને રાજસ્થાનમાં મચાવ્યો છે કહેર

લમ્પી સ્કિન ડિસીઝને કારણે ગુજરાતમાં અને રાજસ્થાનમાંથી ૨૪૦૦ કરતા વધુ પશુઓના મોત થયા છે.

ગુજરાતના ૨૦ રાજ્યો આ રોગથી પ્રભાવિત થયા છે. ગુજરાતમાંથી જ ૧૨૦૦ પશુઓના મોત લમ્પી સ્કિન ડિસીઝને કારણે થયા છે. કચ્છ, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી શહેર પશુઓના આ ખતરનાક રોગથી પ્રભાવિત છે. તે સિવાય સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, સુરત, અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં પણ આ રોગ ઝડપથી પશુઓને અસર કરી રહ્યો છે.

રાજસ્થાનની વાત કરીએ તો અહીં પ્રથમ જેસલમેર અને બાડમેર જેવા સરહદી જિલ્લાઓમાં આ રોગ ફેલાયો હતો. જ્યારે હવે જોધપુર, જાલોર, નાગૌર, બિકાનેર, હનુમાનગઢ અને અન્ય જિલ્લાઓમાં પણ આ રોગ ફેલાઈ રહ્યો છે. રાજ્યમાં આ રોગના કારણે અત્યાર સુધીમાં ૧૨૦૦થી વધુ પશુઓએ જીવ ગુમાવ્યા છે.

gujarat gujarat news rajasthan pakistan south africa