ગુજરાતમાં આજથી ‘લવ-જેહાદ કાયદો’ લાગુ, જાણો આ કાયદા અંગેની મહત્વની જોગવાઇ

15 June, 2021 02:05 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

ગુનો કરનાર, ગુનો કરાવનાર, ગુનામા મદદ કરનાર, ગુનામાં સલાહ આપનાર તમામને સમાન પ્રકારે દોષિત ગણાશે

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રુપાણીની ફાઈલ તસવીર

ગુજરાત રાજ્યમાં લાલચ, બળજબરી કરીને અથવા તો ઓળખ છુપાવીને વ્યક્તિનું ધર્મપરિવર્તન કરવામાં આવતું હોવાના બનાવો વધી ગયા હતા. જેના પર રોક લગાવવા માટે સરકારે આકરા પગલાં લેવાનું નક્કી કર્યું હતું. તે માટે રાજ્ય સરકારે ગત ચોમાસુ વિધાનસભામાં પસાર કરેલા લવ-જેહાદ (ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ) કાયદાનો આજથી એટલે કે ૧૫ જુન ૨૦૨૧થી ગુજરાતમાં અમલ શરૂ થઈ ગયો છે.

ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમના કાયદામાં અનેક પ્રકારની જોગવાઇઓ કરવામાં આવી છે. આ જોગવાઇઓ કઈ છે તે જાણી લેવી જોઈએ.

ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમની મહત્વની જોગવાઇઓઃ

- માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરેલ લગ્ન કે લગ્નના હેતુથી કરેલ ધર્મ પરિવર્તનના કિસ્સામાં થઈ ગયેલા લગ્ન ફેમીલી કોર્ટ કે ન્યાયક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે.

- કોઇપણ વ્યક્તિ સીધી રીતે કોઇપણ વ્યક્તિની બળપૂર્વક અથવા લલચાવીને અથવા કપટયુક્ત સાધનો દ્વારા અથવા લગ્ન દ્વારા અથવા લગ્ન કરાવવા અથવા લગ્ન કરાવવામાં મદદ કરવા ધર્મ પરિવર્તન કરાવી શકશે નહી. આ અંગે સાબિત કરવાનો ભાર આરોપી, ધર્મ પરિવર્તન કરાવનાર તથા સહાયક પર રહેશે.

- ગુનો કરનાર, ગુનો કરાવનાર, ગુનામા મદદ કરનાર, ગુનામાં સલાહ આપનાર તમામને સમાન પ્રકારે દોષિત ગણાશે.

- આ જોગવાઇનું ઉલ્લંઘન કરનારને ત્રણ વર્ષથી પાંચ વર્ષ સુધીની કેદ અને બે લાખ રુપિયા સુધીનો દંડ થશે.

- સગીર, સ્ત્રી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની વ્યક્તિના સંબંધમાં સજાની જોગવાઇ ચારથી સાત વર્ષ સુધીની કેદ અને ત્રણ લાખ રુપિયા સુધીની દંડની જોગવાઇ છે.

- વ્યક્તિ વિરુદ્ધ નારાજ થયેલી વ્યક્તિ તેનાં માતા-પિતા, ભાઈ-બહેન અથવા લોહીના સગપણથી લગ્ન અથવા દત્તક વિધાન નથી પણ ધરાવતી કોઇ અન્ય વ્યક્તિ હકૂમત ધરાવતા પોલીસ મથકમાં પ્રથમ માહિતીનો અહેવાલ આપતાંની સાથે જ એફઆઈઆર દાખલ કરાવી શકાશે.

- આ જોગવાઇઓનું પાલન ન કરનાર સંસ્થાનું રજીસ્ટ્રેશન રદ કરાશે. તેમજ આવી સંસ્થાને ત્રણ વર્ષથી દસ વર્ષ સુધીની સજા અને પાંચ લાખ રુપિયા સુધીનો દંડ થશે. આવી સંસ્થાને ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલ તારીખથી રાજ્ય સરકાર દ્વારા નાણાકીય મદદ કે અનુદાન મળવાને પાત્ર નહીં રહે

- આ કાયદા હેઠળના ગુના બિનજામીનપાત્ર તથા કોગ્નીઝેબલ ગુના ગણાશે તેમજ તેની તપાસ ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસથી ઉતરતા દરજ્જાના અધિકારી દ્વારા તપાસ કરી શકાશે નહીં.

gujarat gujarat news love jihad