09 May, 2024 09:08 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
અમદાવાદમાં આવેલી ગુજરાત કૉલેજમાં ઊભા કરાયેલા સ્ટ્રૉન્ગરૂમમાં ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM) મૂકવામાં આવ્યાં છે અને કૉલેજની આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. (તસવીર : જનક પટેલ)
ગુજરાતમાં મતદાન પૂરું થયા બાદ ચૂંટણીપંચે ગઈ કાલે મતદાનની વિગતો જાહેર કરી હતી જે મુજબ ગુજરાતમાં લોકસભાની પચીસ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ૬૦.૧૩ ટકા મતદાન થયું હતું. આ મતદાન ૨૦૧૯માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં થયેલા મતદાન કરતાં ૩.૯૮ ટકા ઓછું મતદાન થયું છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ૨૬ બેઠકો પર ૬૪.૧૧ ટકા મતદાન થયું હતું.
• ગુજરાતમાં સૌથી વધુ ૭૨.૭૧ ટકા મતદાન વલસાડ બેઠક પર થયું હતું, જયારે સૌથી ઓછું ૫૦.૨૯ ટકા મતદાન અમરેલી લોકસભા બેઠક પર થયું હતું.
• પચીસમાંથી ૮ બેઠકો જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, બારડોલી અને વલસાડ બેઠક પર ૬૦ ટકાથી વધુ મતદાન થયું છે.
• દક્ષિણ ગુજરાતમાં ચાર બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં નવસારી સિવાય તમામ બેઠકો પર ૬૦ ટકાથી વધુ મતદાન થયું છે. નવસારી બેઠક પર ૫૯.૬૬ ટકા મતદાન થયું છે.
• ક્ષત્રિયોએ જે બેઠકો પર અસર થશે એવુ જણાવ્યું હતું એ બેઠકો પૈકી રાજકોટ લોકસભા બેઠક પર ૫૯.૬૯ ટકા મતદાન થયું છે, જયારે સુરેન્દ્રનગર બેઠક પર ૫૫.૦૯ ટકા, જામનગર બેઠક પર ૫૭.૬૭ ટકા, ભાવનગર બેઠક પર ૫૩.૯૨ ટકા, બનાસકાંઠા બેઠક પર ૬૯.૬૨ ટકા, સાબરકાંઠા બેઠક પર ૬૩.૫૬ ટકા અને પાટણ બેઠક પર ૫૮.૫૬ ટકા મતદાન થયું છે.
• અમદાવાદના મતદારોએ જાણે કે મતદાનમાં ઉત્સાહ દાખવ્યો ન હોય એવું મતદાન થયું છે. અમદાવાદ-ઈસ્ટ બેઠક પર ૫૪.૭૨ ટકા અને અમદાવાદ-વેસ્ટ બેઠક પર ૫૫.૪૫ ટકા મતદાન થયું છે. ગાંધીનગર બેઠક પરથી ૫૯.૮૦ ટકા મતદાન થયું છે.