અજંપાભરી ‌શાંતિ

07 January, 2023 08:18 AM IST  |  Bhavnagar | Rashmin Shah

આ પરિસ્થિતિ છે ત્યાંની. સામાન્ય રીતે હોય એ રીતનો માહોલ નથી જોવા મળી રહ્યો. પબ્લિકનો વ્યવહાર પણ ખૂબ સંયમિત છે. શૉપિંગ નહીં કરવાનું કે અહીંની ડોલીનો ઉપયોગ નહીં કરવાનો જેવા બહિષ્કાર કરવાના સોશ્યલ મીડિયામાં ખૂબ વાઇરલ થયેલા મેસેજિસની પચીસ-ત્રીસ ટકા..

પાલિતાણાની માર્કેટમાં હંમેશાં જોવા મળતી હોય છે અેવી ચહલપહલ અત્યારે નથી. વિશાલ સાગલિયા


પાલિતાણા : જૈન ન હોય પણ જૈનો સાથે ઊઠવા-બેસવાનું હોય તેને પણ પાલિતાણાના મહિમા વિશે થોડીઘણી તો જાણ હોય જ. જૈનોના આ અતિ પવિત્ર તીર્થની રક્ષાનો માહોલ અત્યારે દેશના ખૂણેખૂણામાં વ્યાપેલો છે જેની ઝાંકી ગયા અઠવાડિયે ઠેર-ઠેર યોજાયેલી રૅલીમાં જોવા મળી હતી. કેટલાંક તોફાની તત્ત્વો તીર્થની ‌ગરિમાનો ભંગ કરવાના આશયથી કેટલીક ઍક્ટિવિટી આ સ્થાન પર કરી રહ્યાં હોવાનું અને વિવાદને વળ ચડાવવાનું કામ કરી રહ્યાંનું કહેવાય છે. જોકે પાલિતાણા તીર્થના રોહિશાળા નામના સ્થાન પર સાડાત્રણસો વર્ષ જૂનાં આદિનાથ ભગવાનનાં પગલાં તોડ્યા બાદ વિવાદ આસમાને પહોંચ્યો અને વિશ્વભરના જૈનોનું લોહી ઊકળી ગયું. જોકે આ એકમાત્ર મુદ્દો નથી. હજી આ મામલે સમાધાન નથી આવ્યું ત્યારે પાલિતાણાની સ્થિતિ શું છે અને કઈ રીતે ત્યાંની લોકલ જનતા આ આખી વાતને લઈ રહી છે એ જાણવા અમે પહોંચી ગયા પાલિતાણા. છેલ્લા ત્રણ દિવસમાં ‘મિડ-ડે’એ અહીં શું જોયું? અહીંના લોકલ લોકોનો શું સૂર છે? અહીં આવતી પબ્લિકે ઇન્ટરનલ ચાલી રહેલી ‌બહિષ્કારની મૂવમેન્ટને કઈ રીતે સહયોગ આપ્યો છે? જૈનોનાં કેટલાંક જૂથનો લોકલ લેવલ પર બૉયકૉટ કરવાની બાબત પર વેપારીઓનો શું મત છે? 

બધું જ નૉર્મલ?
અત્યારે પાલિતાણામાં મોટા ભાગની ધર્મશાળામાં તમે જાઓ તો તમને રહેવા માટે જગ્યા ન મળે એ સ્તર પર અહીં નવ્વાણું યાત્રા, ઉપધાન તપ અને વિવિધ સંઘના કાર્યક્રમો ચાલી રહ્યા છે. પબ્લિક ભરપૂર પ્રમાણમાં છે, પરંતુ સામાન્ય રીતે હોય એ રીતનો ઊહાપોહ નથી જોવા મળી રહ્યો. પબ્લિકનો વ્યવહાર પણ ખૂબ સંયમિત છે અને અહીંના સ્થાનિકો પણ એક અચંબાભરી શાંતિ સાથે છે. માહોલમાં ઓવરઑલ એક આભાસી શાંતિનો અનુભવ છે. માર્કેટમાં ખાસ કરીને પહેલાં જેવી હકડેઠઠ ભીડ નથી. લોકોએ સાવ અહીં શૉપિંગ બંધ નથી કરી દીધું, પરંતુ તુલનાત્મક રીતે ભીડ ઓછી છે જેની કેટલાક વેપારીઓ સાથે વાત કરતાં તેમણે પણ ઘરાકીમાં લગભગ ૩૦ ટકા જેટલો ફરક પડ્યો હોવાનું સ્વીકાર્યું છે અને આમાં વેપારીઓનો કોઈ વાંક નથી. એ લોકો ક્યારેય જૈન સમાજને નડ્યા નથી તો તેમનો બહિષ્કાર કરવાનો કે તેમની પાસેથી ખરીદી નહીં કરવાનો ધ્યેય શું છે એ તેમને સમજાતું નથી. 

આ પણ વાંચો:શત્રુંજય તીર્થમાં તોડફોડ : જૈન સમાજ ભડક્યો

ડોલીવાળાની રૂખ
અત્યાર સુધી ડોલીવાળા અસોસિએશનનો મના ભરવાડ પ્રેસિડન્ટ હતો જે અત્યારે ડોલીવાળાએ જ કરેલા એફઆઇઆરને કારણે જેલમાં છે. ઓવરઑલ ડોલીની ડિમાન્ડ ઘટી છે. લોકો ડોલીમાં બેસવાનું ટાળી રહ્યા છે, પરંતુ સંપૂર્ણ રીતે લોકોએ ડોલીમાં બેસવાનું બંધ જ કરી દીધું હોય એવું પણ નથી. એ બાબતમાં પણ અહીં મિશ્ર પ્રતિસાદ છે. અહીંના સ્થાનિક લોકો સાથે વાત કરતાં જાણવા મળ્યું કે મોટા ભાગે ગુજરાતીઓને બાદ કરતાં અન્ય રાજ્યોમાંથી આવતી પ્રજામાં હજી પણ પાલિતાણામાં શું ઘટનાઓ ઘટી એ વિશે કોઈ જાગૃતિ નથી અને ઘણા લોકો આખી વાતથી જ અજાણ છે જેને કારણે લોકો સામાન્ય રીતે કરતા હોય એ રીતે ડોલીનો ઉપયોગ અને શૉપિંગ કરી લેતા હોય છે. ડોલીના સંદર્ભમાં પાલિતાણા યાત્રા કરવા આવેલા મુલુંડના એક કપલે અમારી સાથે વાત કરી. મયણા અને સતીશ શાહે અમને જણાવ્યું હતું કે ‘પાલિતાણા પર સંકટ આવે એ તો કેમ સાંખી લેવાય? અમારી તો આ માતૃભૂમિ પણ છે. હકીકતમાં ડોલીવાળાનો ત્રાસ અહીં પહેલાં ખૂબ વધી ગયો હતો. પંદર દિવસ પહેલાં મારી બહેનને પણ તેમનો કડવો અનુભવ થયો. તેઓ પૈસા નક્કી કરીને ફરી જાય અને અધવચ્ચે પોતાનો ભાવ વધારી દે. તેમના માટેની એક સુદૃઢ અને શિસ્તબદ્ધ વ્યવસ્થા પેઢીએ જ કરવી જોઈએ.’
   

આ સિવાય તમને તળેટી પછી તરત જ નાનાં મંદિરોની દેરી પર પાનથી થૂંકેલા ધબ્બાઓ જોવા મળશે. મંદિરની દીવાલથી માંડીને મોટા ભાગની એકેય જગ્યા અહીં બાકી નથી. આ સંદર્ભે વડોદરાથી આવેલા યાત્રાળુ જિનેન્દ્ર શાહે કહ્યું હતું કે ‘ડોલીવાળા સૌથી વધુ અહીં પાન થૂંકીને ગંદકી ફેલાવી રહ્યા છે. આપણે જે સ્થળને સિદ્ધની ભૂમિ કહીએ છીએ એને આમ પાનની પિચકારીથી રંગી દેવામાં આવી હોય અને છતાં કોઈ ઍક્શન નથી લેવાતી એની નવાઈ લાગે છે. ગિરિરાજને સ્વચ્છ બનાવવા અને આગળ પણ એ સ્વચ્છતાનું પાલન કરાવવા માટે પગલાં લેવાં જોઈએ.’
   

ઓવરઑલ અત્યારે પાલિતાણામાં શાંતિ છે. આ વર્ષે અહીં રેકૉર્ડબ્રેક છરિ પાલિત સંઘ આવ્યા છે અને રાબેતા મુજબ જ ઉપધાન તપ, નવ્વાણું યાત્રા ચાલી રહ્યાં છે. ઇન ફૅક્ટ, ધર્મની પ્રભાવના કરવાના આશયથી કરવામાં આવતા દેખાડા અને એ જ માત્રામાં જાહોજલાલીમાં કોઈ ફરક નથી પડ્યો. અહીંથી શૉપિંગ નહીં કરવાનું કે અહીંની ડોલીનો ઉપયોગ નહીં કરવાનો જેવા બહિષ્કાર કરવાના સોશ્યલ મીડિયામાં ખૂબ વાઇરલ થયેલા મેસેજિસનો કોઈ ખાસ પ્રભાવ પડ્યો હોય એવું જણાતું નથી. બેશક, પચ્ચીસ-ત્રીસ ટકા જેટલી અસર થઈ છે, પરંતુ જૈનોમાં તીર્થ રક્ષાને લઈને જાગૃતિ આવ્યા પછી સંયમિત બની હોવાનો અનુભવ થયા વિના નહીં રહે તો સાથે જ સ્થાનિકોના વ્યવહારમાં પણ તુલનાત્મક રીતે અત્યારે થોડોક ઠહેરાવ આવ્યાનો અનુભવ પણ તમને થશે.

gujarat news bhavnagar Rashmin Shah