03 June, 2025 11:58 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે ગઈ કાલે કડી બેઠકની પેટાચૂંટણી માટે આશ્ચર્ય કહો કે જોગાનુજોગ કહો, ત્રણ મુખ્ય રાજકીય પક્ષો ભારતીય જનતા પાર્ટી (BJP), કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચાવડા સમાજમાંથી તેમના ઉમેદવારોની પસંદગી કરી છે. ગઈ કાલે કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે રાજકીય પક્ષોના ઉમેદવારો રૅલી યોજીને ઉમેદવારી-ફૉર્મ ભરવા ગયા હતા અને ફૉર્મ ભરીને તમામ ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કડી વિધાનસભાની બેઠકની પેટાચૂંટણી માટે BJPએ રાજેન્દ્ર ચાવડા, કૉન્ગ્રેસે રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીએ જગદીશ ચાવડાને તેમના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી માટે BJPના કિરીટ પટેલ, કૉન્ગ્રેસના નીતિન રાણપરિયા અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનાં નામ ઉમેદવાર તરીકે જાહેર થયાં છે. આ પૈકી BJPના કિરીટ પટેલ અને કૉન્ગ્રેસના નીતિન રાણપરિયાએ તેમનાં ઉમેદવારી-ફૉર્મ ભર્યાં હતાં જ્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ તેમનું ફૉર્મ અગાઉ ભરી દીધું હતું.