જયંતી ભાનુશાલી ઇચ્છતા હતા કે ગુજરાતના મુખ્ય પ્રધાન બદલાય

11 January, 2019 07:34 AM IST  |  | Rashmin Shah

જયંતી ભાનુશાલી ઇચ્છતા હતા કે ગુજરાતના મુખ્ય પ્રધાન બદલાય

ફૉન કોલ્સના ખુલાસાથી હડકંપ

અબડાસાના ભૂતપૂર્વ વિધાનસભ્ય જયંતી ભાનુશાલીની સોમવારે મોડી રાતે સયાજી એક્સપ્રેસ ટ્રેનમાં હત્યા થઈ એ પછીથી તેમનો મોબાઇલ ગાયબ છે. ગુજરાત સીઆઈડી (ક્રાઇમ) દ્વારા એ મોબાઇલનું લોકેશન શોધવાનું કામ તો શરૂ કરી દેવામાં આવ્યું છે, પણ એ ઉપરાંત છેલ્લા સમયમાં જયંતીભાઈએ કોને-કોને ફોન કર્યા હતા એના રેકૉર્ડ પણ કઢાવવાનું શરૂ કરતાં ગુજરાતના રાજકારણમાં ઊથલપાથલ મચી ગઈ હતી. જયંતીભાઈએ મર્ડરના બે કલાક પહેલાં કૉંગ્રેસના કચ્છના નેતા બાબુ મેઘજી શાહ સાથે ફોન પર વાત કરી હતી, જે લગભગ આઠેક મિનિટ ચાલી હતી. ભાજપના કદાવર નેતા કૉંગ્રેસના એક નેતા સાથે કૉન્ટૅક્ટમાં હતા એ વાત અચરજ આપનારી તો છે જ પણ સાથોસાથ અંદરખાને ચાલી રહેલી રમતો પણ ઉજાગર કરી રહી છે.

આ ફોનકૉલ ઉપરાંત અન્ય ફોનકૉલ્સ પરથી એ પણ જાણવા મળ્યું છે કે જયંતીભાઈ ભાજપની કોર કમિટીના પણ નિયમિત કૉન્ટૅક્ટમાં હતા અને એની સાથે પણ દિવસમાં ચારથી પાંચ વખત વાત કરતા હતા. મોબાઇલમાં રહેલા મેસેજ પરથી એ પણ જાણવા મળ્યું છે કે જયંતી ભાનુશાલી ઇચ્છતા હતા કે ગુજરાતના મુખ્ય પ્રધાન બદલાય અને ગુજરાતના મુખ્ય પ્રધાનપદની જવાબદારી પરષોત્તમ રૂપાલાને સોંપવામાં આવે. આ વાતે પણ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવવાનું કામ કર્યું છે.

પવન મૌર્યએ જોયો છો આરોપી

બુધવારે મોડી રાતે ગુજરાત સીઆઈડી (ક્રાઇમે) ઑફિશ્યલ એવું જાહેર કર્યું હતું કે જયંતીભાઈ સાથે એ જ કમ્પાર્ટમેન્ટમાં ટ્રાવેલ કરતા પવન મૌર્યની હાજરીમાં જ તેમની હત્યા કરવામાં આવી છે. બે આરોપીઓ હતા. આ બંન્ને આરોપીમાંથી એકની ઇચ્છા આઇ-વિટનેસ એવા પવનને પણ મારવાની હતી, પણ બીજા આરોપીએ એવું કરવાની ના પાડી અને બન્ïને કમ્પાર્ટમેન્ટમાંથી નીકળી ગયા. એ પછી પવન મૌર્ય વૉશરૂમમાં ચાલ્યો ગયો અને ટિકિટચેકર આવ્યા પછી તે બહાર નીકYયો. પવન મૌર્યએ આ વાત ઑલરેડી તપાસ-અધિકારીને કહી દીધી હતી, પણ તે ઇચ્છતો નહોતો કે આ વાત બહાર આવે. જો આ વાત બહાર આવે તો મીડિયા તેના ઇન્ટરવ્યુ કરે અને તે આરોપીઓની નજરે ચડે. કારણમાં તથ્ય હોવાથી ગુજરાત સીઆઈડી (ક્રાઇમ)એ પણ આ બાબતમાં સહકાર આપ્યો હતો. બુધવારે આ વાતની સત્તાવાર જાહેરાત કર્યા પછી હવે પવન મૌર્યની મદદથી આરોપીઓના સ્કેચ બનાવવાનું શરૂ થયું છે.

આ પણ વાંચોઃ ત્રણ-ત્રણ કાર હોવા છતાં જયંતી ભાનુશાલીએ પણ કેમ ટ્રેનમાં જવાનું પસંદ કર્યું?

આરોપી જતી વખતે જયંતીભાઈનો મોબાઇલ ફોન અને બૅગ લઈને ભાગ્યા હતા, પણ હકીકતમાં બૅગ પવનની હતી, જે ઘટનાસ્થળથી ચારસો મીટર દૂરથી મળી આવી છે. બૅગમાંનો સામાન રફેદફે કરી નાખવામાં આવ્યો હતો. બૅગ ચકાસવામાં આવી છે એ જોઈને પોલીસ-ડિપાર્ટમેન્ટ એવા તારણ પર છે કે જયંતીભાઈ પાસે કોઈ એવી ફાઇલ, વસ્તુ કે પુરાવા હતા જે આરોપી લેવા માગતા હતા. જયંતીભાઈની બૅગની તપાસ કરવામાં આવી હતી, પણ એમાંથી કોઈ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી નથી. જયંતીભાઈની બૅગમાં તેમના પર થયેલા રેપકેસની ફરિયાદનાં ન્યુઝપેપરનાં કટિંગ મળ્યાં હતાં.

gujarat news