રાજ્યમાં બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

13 November, 2019 07:43 AM IST  |  Jamnagar

રાજ્યમાં બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ભારે વરસાદ

રાજ્યમાં ‘મહા’ વાવાઝોડા બાદ ફરીથી પશ્ચિમ બંગાળમાં બુલબુલ વાવાઝોડાના કારણે દેશના વાતાવરણમાં પલટો આવ્યો છે, જેની અસર આગામી દિવસોમાં ગુજરાતમાં પણ જોવા મળી શકે છે. હવામાન ખાતાની આગાહી અનુસાર અરબી સમુદ્રમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનથી ૧૩-૧૪ નવેમ્બરે રાજ્યમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

ફરીથી વરસાદ પડવાની આગાહીને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ બે દિવસ દરમિયાન રાજ્યમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે.
નવા વર્ષમાં ખેડૂતોને કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેતી પાકમાં અસહ્ય નુકસાન સહન કરવું પડ્યું છે એની કળ હજી વળી નથી ત્યાં ફરીથી વરસાદ પડી શકે છે. હવામાન ખાતાની આગાહી મુજબ ૧૩ નવેમ્બરે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વલસાડ, નવસારી, કચ્છ, મોરબી, રાજકોટ, જામનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે.

૧૪ નવેમ્બરે બનાસકાંઠા, પોરબંદર અને કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. છાશવારે હવામાન પલટાતાં ખેડૂતોને પારાવાર નુકસાન સહન કરવું પડી રહ્યું છે. કપાસ અને મગફળી જેવા ખરીફ પાકમાં ખેડૂતો પાયમાલ થઈ ચૂક્યા છે ત્યારે હવે ફરીથી વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો : આનંદો : હવે તમે ક્રુઝની મજા ગુજરાતમાં જ માણી શકશો, તૈયાર થઇ રહ્યો છે પ્લાન

રાજ્યમાં હજી પણ ઠંડીનું આગમન થયું નથી. બેવડી ઋતુના કારણે સીઝનલ બીમારીઓનું પ્રમાણ વધ્યું છે. બીજી તરફ હવામાન ખાતાની આગાહી અનુસાર ૧૫ નવેમ્બરથી વિધિવત શિયાળાની શરૂઆત થઈ જશે અને ધીમે-ધીમે ઠંડીનું આગમન થઈ જશે.

gujarat jamnagar Gujarat Rains