અમદાવાદ વર્ષે ૧૨થી ૧૫ મિલીમીટર જેટલું જમીનની અંદર ધસી રહ્યું છે

16 January, 2023 11:06 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ઇસરોના અહેવાલ મુજબ અમદાવાદની આવી હાલત માટે જમીનમાંથી ખેંચવામાં આવતું પાણી જવાબદાર, દરિયાની સપાટી વધતાં રાજ્યના ૧૧૦ કિલોમીટર વિસ્તારમાં થઈ રહ્યું છે જમીનનું ધોવાણ, સૌથી ગંભીર સ્થિતિ કચ્છ જિલ્લામાં

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

ગાંધીનગર (પી.ટી.આઇ.) : માણસ જ્યારે પણ પ્રકૃતિના ચક્રમાં વિક્ષેપ કરશે તો એનું ખરાબ ફળ તેણે ભોગવવું જ પડશે. જે પ્રમાણે આડેધડ બાંધકામની પ્રવૃત્તિને કારણે જોશીમઠ અને આસપાસના વિસ્તારોમાં જમીન ધસી રહી છે એવી જ કંઈક ઘટનામાં ક્લાઇમેટ ચેન્જના કારણે ગુજરાતના ૧૧૦ કિલોમીટરના દરિયાકાંઠે સમુદ્રનાં પાણીના સ્તરમાં વધારો થતાં જમીનનું ધોવાણ થઈ રહ્યું છે. મોટા પ્રમાણમાં જમીનમાંથી પાણી ખેંચવાની પ્રવૃત્તિના કારણે અમદાવાદ શહેર વાર્ષિક ૧૨થી ૧૫ મિલીમીટર જેટલું જમીનની અંદર ધસી રહ્યું છે. 

ઇસરોના સ્પેસ ઍપ્લિકેશન સેન્ટર ૨૦૨૧ દ્વારા ‘શોર લાઇન ચેન્જ ઍટ્લાસ ઑફ ધ ઇન્ડિયન કોસ્ટ-ગુ​જરાત-દીવ ઍન્ડ દમણ’ પર સંશોધક રતીશ રામકૃષ્ણનન અને અન્ય સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે ગુજરાતના ૧૦૫૨ કિલોમીટરના દરિયાકિનારા પર વાંધો નથી, પરંતુ ૧૧૦ કિલોમીટર ​દરિયાકિનારા પર ધોવાણ થઈ રહ્યું છે તેમ જ ૪૯ કિલોમીટર પર સમુદ્રની સપાટી વધવાની અસર દેખાઈ રહી છે. સમુદ્રની સપાટી વધવાના તેમ જ ક્લાઇમેટ ચેન્જના કારણે ગુજરાત રાજ્ય કાંપ વધવાથી ૨૦૮ હેક્ટર જેટલી જમીન મેળવી છે તો ધોવાણને કારણે રાજ્યએ ૩૧૩ હેક્ટર જમીન ગુમાવી છે. 

આ પણ વાંચો : જોશીમઠમાં આર્મીનાં ૨૫થી ૨૮ બિલ્ડિંગોમાં પડી તિરાડ, સૈનિકોને સલામત સ્થળે ખસેડાયા

કૃણાલ પટેલ નામના સંશોધકના જણાવ્યા પ્રમાણે સૌથી વધુ ધોવાણ કચ્છ જિલ્લામાં થયું છે. રાજ્યના ૪૫.૯ ટકા દરિયાકિનારા પર ધોવાણ થયું છે. ગુજરાતના દરિયાકિનારાના ૧૬ પૈકી ૧૦ જિલ્લામાં ધોવાણની અસર છે, સૌથી વધુ અસર કચ્છમાં ત્યાર બાદ જામનગર, ભરૂચ અને વલસાડનો સમાવેશ થાય છે. 

અમદાવાદ જિલ્લાના માંડવીપુરા ગામના ૮૦૦૦ અને ભાવનગર જિલ્લાના ગુંદાલા ગામના ૮૦૦ લોકોનું પુનર્વસન કરવું પડ્યું હતું, કારણ કે ખેતીની જમીન અને ગામનો કેટલોક ભાગ દરિયામાં ડૂબી ગયો હતો. ખંભાતના અખાતના પશ્ચિમ કિનારે રહેતા અમદાવાદ અને ભાવનગર જિલ્લાનાં અન્ય ગામોમાં પણ ખતરો છે, જેમાં બાવળ્યારી, રાજપુર, મિંગલપુર, ખૂન, જાનકી, રાહતળાવ, કામ તળાવ અને નવાગામનો સમાવેશ થાય છે. ચોમાસા દરમ્યાન પૂરનાં પાણી અને સમુદ્રનાં પાણીને કારણે મોટા ભાગનાં ગામો જળબંબાકાર થઈ જાય છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારી જિલ્લામાં ઘણાં ગામો પણ જોખમમાં છે. ઉમરગામ તાલુકાના ૧૫,૦૦૦ લોકોના જીવ અને આજીવિકા જોખમમાં છે, કારણ કે દરિયાનાં પાણી છેક તેમનાં ઘરોમાં ઘૂસે છે. 
દરિયાનાં પાણીનું સ્તર વધતાં ગામડાંઓ જોખમમાં છે તો વૈજ્ઞાનિક રાકેશ ડુમકાના અભ્યાસના તારણ મુજબ અમદાવાદીઓ દ્વારા આડેધડ રીતે ખેંચવામાં આવતા ભૂગર્ભ જળના કારણે શહેર વર્ષે ૧૨થી ૧૫ મિલીમીટર જમીનની અંદર ધસી રહ્યું છે. રાકેશ ડુમકાના જણાવ્યા પ્રમાણે શહેરને ડૂબતું અટકાવવું હોય તો જમીનમાંથી પાણી ખેંચવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ.

gujarat news ahmedabad gandhinagar isro