કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટ દોષિત જાહેર, આજીવન કેદની સજા

20 June, 2019 01:18 PM IST  |  જામનગર

કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટ દોષિત જાહેર, આજીવન કેદની સજા

સંજીવ ભટ્ટ (File Photo)


1990ના કસ્ટોડિયલ ડેથ કેસ મામલે સંજીવ ભટ્ટ દોષિત જાહેર થયા છે. જામજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસમાં જામનગર કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા છે. હવે આ કેસમાં તેમને આજીવન કેસની સજા ફટકારાઈ શકે છે. કસ્ટોડિયલ ડેથ કેસમાં સંજીવ ભટ્ટ સાથે હેડ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને પણ દોષિત જાહેર કરાયા છે.

જામનગરની કોર્ટે કલમ 302 અંતર્ગત પ્રવીણસિંહ ઝાલા અને સંજીવ ભટ્ટને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ કેસમાં પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ સહિત કુલ 6 પોલીસ કર્મચારીઓ આરોપી હતા. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે આજે આ કેસમાં ચુકાદો આપવો ફરજિયાત હતો. આ કેસ માટે ખાસ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવામાં આવી હતી.

મીડિયા સાથે વાત કરતા આ કેસના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તુષાર ગોકાણીએ કહ્યું કે,'પ્રવીણસિંહ ઝાલા અને સંજીવ ભટ્ સિવાયના આરોપીઓને કસ્ટોડિયલ ટોર્ચર માટે એટલે કલમ 323, 506 (1) અંતર્ગત દોષિત જાહેર કર્યા છે.'

પબ્લિક પ્રોસિક્યુટરે વધુ માહિતી આપતા કહ્યું કે 1990માં ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા સમયે કોમી તોફાનોના ઓઠા હેઠળ 133 લોકોને આરોપી બનાવાયા હતા અને પોલીસ કસ્ટડીમાં માર મારવામાં આવ્યો હતો. આ 133માંથી પ્રભુભાઈ નામના વ્યક્તિનું કસ્ટોડિયલ ટોર્ચરના કારણે મોત થયું હતું. સારવાર દરમિયાન 18 નવેમ્બર 1990ના રોજ નિધન થયું હતું.

વધુ માહિતી આપતા તુષાર ગોકાણીએ કહ્યું કે,'આ કેસ ત્રીસ વર્ષ સુધી ચાલ્યો અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી મેટર પહોંચી હતી. આખરે સુપ્રીમ કોર્ટે 20 જૂન પહેલા ચુકાદો આપવા આદેશ કર્યો હતો. જેને પગલે જામનગર કોર્ટે ચુકાદો આપ્યો છે.'

gujarat news Crime News